કોર્ટનો નિર્ણય:સર્વોત્તમ ડેરીના સુપરવાઈઝરની હત્યા કરનારને આજીવન કેદ

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષ પહેલાં નજીવી બાબતે હત્યા થઈ હતી
  • શામપરા ખોડિયારના શખ્સ વિરૂદ્ધ ફરિયાદ બાદ મૌખીક-લેખીત પુરાવા ધ્યાને લઈ ચુકાદો

સિહોર ખાતે આવેલી સર્વોત્તમ ડેરીના સુપરવાઈઝરની બે વર્ષ પહેલા હત્યા કરી દેનારા આરોપીને કોર્ટે આજીવન કેદની સજા અને રોકડા રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે લેખીત અને મૌખીક મળીને કુલ 44 પુરાવા ચકાસ્યા બાદ આ ફેસલો કર્યો હતો.

સર્વોત્તમ ડેરીમાં જીજે-04-એડબલ્યુ-2475 નંબરના પિકઅપ વાહનમાં દુધ લેવા જતા ભોપા ઉર્ફે ભાવેશ બુધાભાઈ કસોટીયા (રહે. શામપરા ખોડિયાર) ડેરીમાં અપશબ્દો બોલી ઝઘડો કરતો હોય તેથી સુપરવાઈઝર ભાવેશભાઈ બાલાશંકરભાઈ જોષીએ તેની ગાડી બંધ કરી દીધી હતી જેની દાઝે ભોપા કસોટીયાએ ગત તા. 19/03/2020ના રોજ ભાવેશભાઈ બાલાશંકરભાઈ જોષી પર છરીથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા ગંભીર હાલતે તેમને સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આ અંગે સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જે અંગેનો કેસ ભાવનગર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ આર.ટી.વચ્છાણીની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે સરકારી વકિલ વિપુલ દેવમુરારીની દલીલો, 13 મૌખીક પુરાવા, 31 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ આરોપી ભોપા બુધાભાઈ કસોટીયાને કસુરવાર ઠરાવી આજીવન સખ્ત કેદની સજા અને રોકડા રૂ. 50 હજારનો દંડ અને દંડ ના ભરે તો વધુ એક માસની કેદની સજા તથા જીપીએક્ટ 135 મુજબ 3 માસની સજા અને રોકડા રૂ.100નો દંડ અને દંડના ભરે તો વધુ 4 દિવસની સજા અને દંડની રકમ પૈકી આ કામે મરણજનારના પત્નિને રૂ. 50,000 વળતર પેટે ચુકવવા કોર્ટે હુકમ કર્યો હતો. કોર્ટે વીડિયો કોન્ફરન્સથી ઓનલાઈન ચુકાદો સંભ‌ળાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...