ગત ઓગષ્ટ માસમાં તળાજા તાલુકાના એક તબીબ તથા શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા યુવાનને હનીટ્રેપમા ફસાવી બે કરોડની ખંડણી માંગનાર બોરડા ગામના આરોપીને એલસીબી-પેરોલફર્લો સ્કોડે તેના ગામેથી ઝડપી લીધો હતો. જે બાદ તળાજા પોલીસને હવાલે કર્યો છે.
તબીબ પાસે રૂપિયા બે કરોડની ખંડણી માંગી હતી
સમગ્ર જિલ્લામાં ગત 25 ઓગષ્ટના રોજ તળાજા તાલુકાના વતની અને ભાવનગર શહેરમાં હોસ્પિટલનું સંચાલન કરતા તથા તળાજા તાલુકામાં શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તબીબ યુવાનને તળાજા તાલુકાના બોરડા ગામના રાજુ રામજી ભમ્મર તથા તેની આણીમંડળીએ એક યુવતીની મદદથી હનીટ્રેપમા ફસાવ્યો હતો અને તબીબ પાસે રૂપિયા બે કરોડની ખંડણી માંગી હતી જે સંદર્ભે તબીબે મુખ્ય આરોપી રાજુ ભમ્મર સહિત તેની ગેંગ વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બોરડા ગામેથી મુખ્ય આરોપી રાજુ ઝડપાયો
એ સમયે પોલીસે આરોપી યુવતી સહિત અન્ય શખ્સોની ધડપકડ કરી હતી પરંતુ મુખ્ય આરોપી રાજુ રામજી ભમ્મર ઉ.વ.40 રે.બોરડા વાળો નાસતો ફરતો હોય આ શખ્સ હાલમાં તેના ઘરે આવ્યો હોવાની બાતમી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોડને થતાં બંને ટીમોએ બોરડા ગામેથી મુખ્ય સૂત્રધાર રાજુ રામજી ભમ્મરને ઝડપી લીધો હતો અને તળાજા પોલીસને હવાલે કરતાં પોલીસે રાજુનો કબ્જો લઈ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.