લઠ્ઠાકાંડે અનેકના ઘર ઉજાડ્યા તો ઘણાના ઘર સુધાર્યા પણ છે. ઝેરી દારૂ પી ભાવનગર સર ટી.હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અને ભગવાન ભાળી ગયેલા પિતાએ હવે પછી કદી દારૂને હાથ પણ નહીં અડવાની પોતાની બંને દીકરીઓની કસમ ખાધી હતી. દારૂની લતે ચઢેલા જુવાનજોધ દીકરા કે જેઓ ઘરનો આર્થિક આધારસ્તંભ હતાં તેઓનો પણ લઠ્ઠાકાંડે ભોગ લેતા આજીવિકાના પણ ફાંફા પડી ગયા છે.
બે દીકરીઓના સોગંદ ખવડાવીને હવે ભાઈ ક્યારેય દારૂ નહીં પીવે તેવી પ્રાર્થના કરી છે. હું અશોકભાઈ ભવાનભાઈ દેત્રોજા અત્યારે મારા ભાઈની સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે આવેલો છું.અત્યારે કુદરતની કૃપાથી ભાઈ બચેલા છે. મારા ભાઈને સંતાનોમાં બે દીકરીઓ અને એક દીકરો છે. જે સુરત રહે છે. અમારા ગામ અણીયાળી ભીમજીમાં ભાઈ અને ભાભી બંને વર્ષોથી રહે છે. કમનસીબે પીવાની આદત પડી ગઈ હતી. અમે તેમને અને ગામના અન્ય લોકોને પણ દારૂબંધી માટે સમજાવ્યા હતા. જોકે વાર્યા ન વળે, એ હાર્યા પાછા વળે એ ન્યાયે આ ઘટના જાણે કુદરતનો ઈશારો હોય તેમ હવે સૌએ નહીં પીવાનું નક્કી કર્યું છે.
છેલ્લે હવે આ ઘટનામાં ફસાઈ જ ગયા છીએ ત્યારે બંને દીકરીઓના સોગંધ લેવરાવીને ભાઈએ ડ્રિન્ક નહીં લેવાનો નિશ્ચય કર્યો છે. જે અમારા માટે આનંદની વાત છે. બની શકે કે આ લઠ્ઠાકાંડની ઘટના અમારા પરિવાર અને ગ્રામજનો ઉપર આશાનું નવું કિરણ લઈને પણ આવી હોય. હવે એ જીવન સુધારણાનું એક ઉદગમ સ્થાન પણ બનશે.
નવ દિકરાની માતા સીતાબેનને શરદીની દવા તરીકે લઠ્ઠો પીતા અંતિમ શ્વાસ લઈ રહ્યા છે
ભાવનગર | મુળ રાજસ્થાનના અને હાલમાં બરવાળાના રાણપરી ગામે રહેતા 45 વર્ષીય સીતાબેન ચૌહાણને વરસાદમાં પલળતા શરદી થઈ ગઈ હતી. જેથી તેઓને પડોશીએ સલાહ આપી કે આપણા ગામમાં જે મળે છે તે બોટલનું પ્રવાહી છાતી પર લગાવી થોડુ પીવાથી શરદી મટી જશે. જેથી સીતાબેને તેમ કરતા તેઓને લઠ્ઠાની ગંભીર અસર થઈ હતી. અને તેને સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. સીતાબેનને 9 દિકરા છે. ભાવનગર હોસ્પિટલમાં તેઓની સ્થિતિ એકદમ ગંભીર છે. શરદી જેવા રોગમાં પણ લઠ્ઠાનો ઉપયોગ કરાતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.