કોર્પોરેશનના દબાણ હટાવ વિભાગની ટીમ દ્વારા આજે શહેરના જુદા જુદા વિસ્તારોમાં રસ્તા પરના લારી ગલ્લા હટાવવા ઉપરાંત કાળિયાબીડમાં રોડના કામમાં અડચણરૂપ બોર્ડ, ફેન્સીંગ સહિતનું પણ દૂર કર્યું હતું. પરંતુ વર્ષોથી નવાપરા ડીએસપી ઓફિસથી હલુરીયા અને કબ્રસ્તાનવાળા રોડ પરના દબાણો અડિંગો જમાવીને બેઠા છે.એસ્ટેટ વિભાગની દબાણ હટાવ ટીમ દ્વારા આજે ગંગાજળિયા તળાવની આસપાસ સાત જેટલી લારીઓ, વિદ્યાનગર, જ્વેલ્સ સર્કલ, જશોનાથ સર્કલ, પીલગાર્ડનના મુખ્ય દરવાજાની આજુબાજુમાંથી લારી ગલ્લાઓ હટાવ્યા હતા.
તેમજ વિરાણી સર્કલ થી સરદાર પટેલ સ્કૂલ સુધી રોડ વિભાગના કામમાં નડતરરૂપ 45 જેટલા બોર્ડ જમીનમાંથી કાઢ્યા હતા અને ફેન્સીંગ જાળી જેસીબી દ્વારા ખાડી કાઢવામાં આવ્યા હતા. આજે શહેરના જુદા જુદા વિસ્તારમાંથી 22 જેટલા લારી ગલ્લાના દબાણો દૂર કર્યા હતા. કમિશનર દ્વારા રસ્તા પરના દબાણો દૂર કરવાની કામગીરી આવકારદાયક છે પરંતુ વર્ષોથી નવાપરા ડીએસપી ઓફિસથી હાલુરીયા ચોક અને કબ્રસ્તાન વાળા રસ્તા સહિતના વિસ્તારોમાં દબાણોને કારણે રસ્તા પણ સાંકડા બની ગયા છે. વાહનોની અવરજવર પણ મુશ્કેલરૂપ બની છે. ત્યારે વર્ષોનો પેચીદો પ્રશ્ન હલ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.