તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:ભૂમાફિયાઓ બિન્દાસ, તંત્ર બેદરકાર, લાખણકા ગામે ગેરકાયદેસર રેતીખનન

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા ભૂમાફિયાઓને ખૂલેઆમ છાવરતા હોવાનો આક્ષેપ
  • ગ્રામ પંચાયત દ્વારા ચાર વર્ષથી ખાણ ખનીજ વિભાગને જાણ છતાં કાર્યવાહી નહીં

એક તરફ સરકાર ભૂમાફિયાઓને નેસ્ત નાબુદ કરવા સતત પ્રયાસ કરી રહી છે જ્યારે બીજી તરફ સ્થાનિક કક્ષાએ તંત્ર વાહકો જ ભૂમાફિયાઓને છાવરી રહ્યા છે. ભાવનગર તાલુકાના લાખણકા ગામે છેલ્લા ઘણા સમયથી સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર રીતે બેન્ટોનાઈટ, કાળી માટી અને રેતીનું ખનન થઈ રહ્યું છે. અને તે સંદર્ભનું ખાણ અને ખનીજ વિભાગને ધ્યાન પણ દોરવામાં આવ્યું છે તેમ છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.

ભાવનગર જિલ્લામાં અનેક સરકારી પડતર જગ્યાઓમાં અને ડુંગરોમાં તેમજ નદી અને દરિયાકિનારે ગેરકાયદેસર રીતે ખનન પ્રવૃત્તિ થઈ રહી છે. વર્ષે દહાડે એકાદ બે કેસ ઓન રેકોર્ડ દેખાડી તંત્ર કામગીરી કર્યાનો સંતોષ માને છે. કોઈને ધ્યાનમાં ન જાય તે રીતે ચૂપકીદીમાં ખનન પ્રવૃત્તિ થાય તે તો કદાચિત તંત્રને ધ્યાનમાં ન આવ્યું હોય એટલે શક્ય બને. પરંતુ ગ્રામ્ય કક્ષાનું સ્થાનિક તંત્ર ખુદ જિલ્લાકક્ષાના ખાણ ખનીજ વિભાગને જાણ કરે છતાં કોઇ કાર્યવાહી ન થાય તે સ્પષ્ટપણે નિષ્ક્રિયતા દર્શાવે છે.

ભાવનગર તાલુકાના લાખણકા ગામે સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર રીતે બેન્ટોનાઈટ, કાળી માટી અને દરિયા કિનારેથી રેતીનું બેફામ રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને તે સંદર્ભે છેલ્લા ચાર વર્ષથી લાખણકા ગ્રામ પંચાયત દ્વારા ખાણ ખનીજ વિભાગને રૂબરૂ લેખિત અને મૌખિક રજૂઆત પણ કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી. લાખણકા ગ્રામ પંચાયત દ્વારા ગત 26 મી માર્ચના રોજ કરેલી રજૂઆતમાં તો ભૂમાફિયાઓને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાનું ખાણ ખનીજ વિભાગ દ્વારા ખુલ્લુ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. તેમજ વધુમાં જણાવ્યું છે કે, જો સ્થાનિક કક્ષાએથી કોઈ કાર્યવાહી નહીં થાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું પણ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...