વિરોધ પ્રદર્શન:હાથરસમાં ગેંગરેપના આરોપીઓને ફાંસી આપવાની માંગ સાથે ક્રાંતિ સેનાનું ભાવનગરમાં રસ્તા રોકો આંદોલન, રાજકોટમાં દલિત સમાજની કેન્ડલ માર્ચ

ભાવનગર2 વર્ષ પહેલા
ભાવનગરમાં ક્રાંતિ સેના દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું - Divya Bhaskar
ભાવનગરમાં ક્રાંતિ સેના દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું
  • ભાવનગરના જશોનાથ સર્કલ પાસે ક્રાંતિ સેનાના મોટી સંખ્યામાં કાર્યકરો બેનર સાથે એકત્ર થયા હતા

ઉત્તરપ્રદેશના હાથરસની ગેંગરેપના ઘટનાના ઘેરા પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. ઠેર ઠેર લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીઓ સામે કડક પગલાં ભરવાની માગણી પણ ઉઠી છે. ભાવનગરમાં ક્રાંતિ સેનાના કાર્યકરો જશોનાથ સર્કલ પાસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એકઠા થયા હતા. હાથમાં કટઆઉટ સાથે કાર્યકરો રસ્તા પર બેસી આંદોલન પર ઉતરી આવ્યા હતા અને ‘આરોપીઓને ફાંસી આપો ફાંસી આપો’ના સુત્રોચ્ચાર કર્યા હતા. રાજકોટ જિલ્લા પંચાયત ચોક ખાતે ગેંગરેપ પીડિતાના પરિવાર માટે ન્યાયની માંગ સાથે દલિત સમાજની કેન્ડલ માર્ચ યોજાઈ હતી. જાતિવાદ બંધ કરોના બેનર સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા.

આરોપીઓને ફાંસીની સજા આપી મૃતકને ન્યાય આપોના સુત્રોચ્ચાર
બીજી ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ક્રાંતિ સેના દ્વારા રસ્તા રોકો આંદોલન કરી હાથરસની ગેંગરેપના આરોપીને ફાંસીની સજા ફટકારી મૃતકને ન્યાય આપવા માગણી કરી હતી. મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો રસ્તા રોકો આંદોલનમાં જોડાયા હતા. જશોનાથ સર્કલ ખાતે પુરતો પોલીસ બંદોબસ્ત
ગોઠવવામાં આવ્યો હતો. સુત્રોચ્ચાર કરી રસ્તા રોકો આંદોલન કરતા પોલીસે તમામની અટકાયત કરી હતી.

રાજકોટમાં બેનર સાથે દલિત સમાજની ન્યાયની માંગ
રાજકોટમાં બેનર સાથે દલિત સમાજની ન્યાયની માંગ

ગઈકાલે ભાવનગર કોંગ્રેસ દ્વારા પૂતળાદહન કરાયું હતું
હાથરસની ગેંગરેપની ઘટના અને રાહુલ ગાંધીની ધરપકડના વિરોધમાં ગઈકાલે ગુરૂવારે ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા પૂતળાદહન કાર્યક્રમ યોજાયો હતો. ભાવનગરના હેવમોર ચોક ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો એકત્ર થયા હતા અને પૂતળાદહન કરી સુત્રોચ્ચાર કર્યા હતા. જો કે પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.

(ભરત વ્યાસ, ભાવનગર)