ધરપકડ:કોઠી સ્ટીલનો ઇરફાન 163 કરોડના બોગસ બિલિંગ પ્રકરણમાં પકડાયો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અસલમ કલીવાલાએ 41.38 કરોડના બોગસ બિલો ફાડ્યા હતા
  • અત્યાર સુધીમાં​​​​​​​ 10 આરોપીઓની ધરપકડ, ન્યાયિક હિરાસતમાં

ભાવનગરમાં મંગળવારથી શરૂ કરવામાં આવેલી દરોડાની કામગીરીમાં સ્ટેટ જીએસટીની અન્વેષણ વિંગ દ્વારા 163 કરોડનું બોગસ બિલિંગ આચરી અને 25.33 કરોડની ખોટી વેરા શાખ મેળવનાર મામસા ખાતે આવેલી કોઠી સ્ટીલ લિમિટેડના ઇરફાન મોહમ્મદફિરદોશ કોઠીની જીએસટી કાયદા અન્વયે ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મંગળવારે ધરપકડ કરવામાં આવેલા અસલમ કલીવાલાને ન્યાયિક હિરાસતમાં મોકલી દેવામાં આવ્યા છે.

દરોડાની કાર્યવાહી દરમિયાન ટોમોએ બોગસ બિલિંગને લગતા સંખ્યાબંધ પુરાવા કબજે લીધા છે અને હાલ તેના અંગે વિસ્તૃત તપાસ ચાલી રહી છે. કોઠી સ્ટીલ લિમિટેડના ભાવનગરના મામસા-માલપરના પ્લાન્ટ, ગોધરા, વડોદરાના ઓફિસ, રહેઠાણના સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. કોઠી સ્ટીલ લિમિટેડએ રૂપિયા 24 કરોડની ખોટી વેરાશાખ મેળવી કરચોરી કરી હતી. અને તેની ભગીની સંસ્થા એચ.કે.ઇસ્પાત પ્રાઇવેટ લિમિટેડના સ્થળોએ તપાસ કરાતા તેમાંથી 1.33 કરોડની ખોટી વેરાશાખ લીધી હોવાનું મળી આવ્યુ હતુ અને આ બંને કંપનીઓએ ભેગા મળી 163 કરોડના બોગસ બિલિંગમાં સામેલગીરી હોવાનું જણાઇ આવ્યુ છે.

કોઠી સ્ટીલ અને એચ.કે.ઇસ્પાતના બેંક વ્યવારો, વાણિજ્યક વહેવારો ઇરફાન મોહમ્મદફિરદોશ કોઠી કરતા હોવાનું જણાઇ આવતા તેની ગોધરા ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન મંગળવારે ભાવનગરની બ્લૂ સ્ટાર ટ્રેડિંગ કંપનીઅે 41.38 કરોડના બોગસ બિલો ઇશ્યુ કરી 6.31 કરોડની ખોટી વેરાશાખ મેળવી હોવાના કેસમાં પેઢીના માલીક અસલમ કલીવાલાની ધરપકડ કરવામાં આવી હતી. તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેને ન્યાયિક હિરાસતમાં મોકલી આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ અસલમ કલીવાલાના પત્ની શબાના કલીવાલાની એચ.કે.મેટલ કેસમાં ધરપકડ કરવામાં આવેલી છે અને તેઓના પુત્ર હસન કલીવાલાની પણ સંડોવણી છે અને સમન્સ ઇશ્યુ કરાયા છતા નાસતો ફરે છે.

અન્ય સમાચારો પણ છે...