આયોજન:આજે ભાવનગરમાં કિર્તીદાન ગઢવીનો ડાયરો, મંત્રી જીતુ વાઘાણીની પ્રેરણાથી યોજાશે કાર્યક્રમ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સન્માન કરાશે
  • ધન્ય છે કિર્તીદાનને' દીકરીઓ માટે સો કરોડ એકત્ર કરવાનો શુભ સંકલ્પનું અભિવાદન
  • સાંઈરામ દવે સહિત અર્ધો ડઝનથી વધુ કલાકારો કલા પિરસશે
  • જાહેર જનતા માટે ચિત્રા માર્કેટિંગ યાર્ડ સામે વિનામૂલ્યે કાર્યક્રમ

ભાવનગર નાગરિક સમિતિ દ્વારા 6 સપ્ટેમ્બર મંગળવારે મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના આભાર સન્માન અને માનનીય શ્રીજીતુભાઈ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા છઠ્ઠી કિર્તીદાન ગઢવીના શુભ સંકલ્પના અભિવાદન સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અનેક અગ્રણીઓ, સંતો મહંતો ખાસ હાજર રહેશે અને સુખ્યાત કલાકારો દ્વારા લોક ડાયરો યોજાશે.

ભાવનગર શહેરના વિકાસ કાર્યો માટે 297 કરોડ ફાળવવા બદલ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ભાવનગર નાગરિક સન્માન સમિતિના વડપણમાં શહેરની પ્રમુખ સંસ્થાઓ દ્વારા મંગળવારે રાત્રે આઠ કલાકે શહેરના માર્કેટિગ યાર્ડ સામે, સ્વામિનારાયણ મંદિરની પાછળના મેદાનમાં આભાર-સન્માન યોજાશે. આ પ્રસંગે રાજ્ય સરકારના વિવિધ મંત્રીશ્રીઓ અને રાજ્યભરમાંથી અગ્રણીઓ, સંતો પણ ખાસ ઉપસ્થિત રહેશે.

આ સાથે જ દીકરીઓ માટે 100 કરોડ એકત્ર કરવાનો શુભ સંકલ્પ કરનાર આંતરરાષ્ટ્રીય ખ્યાત કલાકાર કિર્તીદાન ગઢવીનું આ સંકલ્પ માટે સન્માન ‘ધન્ય છે કિર્તીદાનને' શિર્ષક હેઠળ કિર્તીદાન ગુજરાત ગૌરવ સમિતિ અને ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા પણ આ જ સ્થળે યોજાશે.

આ કાર્યક્રમની સાથે ભવ્ય લોકડાયરો પણ યોજાશે જેમાં કિર્તીદાન ગઢવી સૌપ્રથમવાર ફ્યુઝન મેશ અપ સાથે એક નવા જ સ્વરૂપમાં રજૂ થવાના છે. ભાવનગરના આંગણે પ્રથમવાર યોજાઈ રહેલ આ ભવ્ય અભિવાદન અને ભાતીગળ લોક ડાયરામાં જાહેર જનતા આમંત્રિત છે. ભાવનગરના આંગણે પ્રથમવાર સુખ્યાત કલાકારોને એક સાથે માણવાનો આ અવસર હોય લોકોમાં સ્વયંભૂ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કીર્તિદાન ગઢવી દીકરીઓ માટે 100 કરોડ એકત્ર કરશે
કીર્તિદાન ગઢવીએ દીકરીઓ માટે 100 કરોડનું ફંડ એકત્ર કરવાનો નિર્ણય કર્યો છે. જેમાંથી અમેરિકામાં 10 કરોડનું ફંડ એકત્ર કર્યા બાદ સૌપ્રથમ ભાવનગરમાં ફ્યુઝન મેશ-અપ અવતારમાં પોતાનો કાર્યક્રમ રજૂ કરશે. ભાવનગરના જન્મદિનની ઉજવણી સમયે મંત્રી જીતુભાઈ વાઘાણીએ બે મહિનામાં તેમનો ભાવનગરમાં કાર્યક્રમ કરવાની જાહેરાત કરી હતી.

ક્યાં ક્યાં કલાકારો આજે કલા પિરસશે
સાંઈરામ દવે, પાર્થિવ ગોહિલ, માયાભાઈ આહિર, રાજભા ગઢવી, ઉર્વશીબેન રાદડીયા, ઈશાની દવે, જીજ્ઞેશ કવિરાજ, હરેશદાન સુરૂ, હાર્દિક દવે, ગીતાબા ઝાલા અને કિર્તીદાન ગઢવી તથા કમો તેની કલા રજૂ કરશે.

કાર્યક્રમમાં ત્રણ સ્થળે પાર્કિંગ વ્યવસ્થા
કાર્યક્રમમાં આવનારને અગવડતા ન પડે તે માટે સ્થળ પર બે જગ્યાએ પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વીઆઇપી મહેમાનોને માટે સ્વામિનારાયણ મંદિરની પાછળ વાહન પાર્કિંગ રહેશે જ્યારે અન્ય નાગરિકો માટે બીએસએનએલ ક્વાર્ટર અને ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે પાર્કિંગ ગોઠવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...