જૈન સમાજમાં રોષ:ભાવનગરમાં જાહેર રોડ પરથી ધોળે દિવસે વણિક એન્જિનિયરનું અપહરણ, આવી ઘટનાથી લોકોમાં ભયનો માહોલ

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વરતેજ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ નોંધવામાં આવી
  • ભાવનગરથી મહેસાણા પોલીસ લખેલી કારમાં લઈ જઈ ચાર કરોડની માંગણી કરી અંતે 18 લાખમાં સંમત થયા
  • ખોડીયાર મંદિર પાસે જાળીયા ગામે ખંડણીના પૈસા અપાઈ તે પહેલા અપહરણ કારોને કોઈનો ફોન આવતા મહેસાણા હાઈવે પર પાકીટ મોબાઈલ લઈ કારમાંથી એન્જીનીયરને ઉતારી દીધો

ભાવનગર-રાજકોટ હાઈ-વે મંગળવારે બપોરના સમયે એન્જીનીયરનું ત્રણ લવરમુછિયા યુવાનોએ અપહરણને અંજામ આપ્યો હતો. જોકે અપહરણકર્તાઓને પકડાઈ જવાની ભનક લાગી જતાં તેમને મહેસાણા હાઈ-વે પર ઉતારી ત્યાંથી નિકળી ગયા હતા. આ મામલે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

અપહરણનો ઘટનાક્રમ
સાઈટ પર જતા હતા ત્યારે આંતર્યા
એન્જીનીયરનું ચિત્રા વિસ્તારમાં કામ ચાલતું હતુ ત્યાં બપોરે પોતાની આઈ 10 કારમાં જવા નિકળ્યા હતા ભાવનગર-રાજકોટ હાઈ-વે પર ચિત્રા પાસે માય ચોઈસ નામના શો રૂમના ખાંચામાં તેમની કારને આંતરી બે શખ્સોએ તેમને દબોચી રાખ્યા તે દરમિયાન એન્જીનીયરએ તેમની ભુલ થઈ હોય તો માફી માંગું છું, મને પાણીની તરસ લાગી છે તેમ કહેવા છતાં ફોર્ડની ફીઆગો ગાડીમાં બેસાડી તેમનું અપહરણ કર્યું હતું અને પેટ પર છરી રાખી બુમાબુમ નહી કરવા ધમકી આપી હતી.

કારની નંબર પ્લેટમાં કાળી પટ્ટી ઢાંકી હતી
ગાડીમાં બેસાડ્યા બાદ આ લોકોએ અધેલાઈ ટોલનાકા પહેલા ગાડીની નંબર પ્લેટ પર ઢાંકેલી કાળી પટ્ટી કાઢી નાખી હતી અને બપોરે 1.08 કલાકે ટોલનાકું પસાર થયાં બાદ નંબર પ્લેટ પર ફરી કાળી પટ્ટી ચોંટાડી દીધી હતી.

વડોદરા મિત્રો સાથે છું તેવો મેસેજ કરાવ્યો
અપહરણ કર્યાં બાદ અપહરણકર્તાઓએ એન્જીનીયરની આંખ પર કાળી પટ્ટી બાંધતા પહેલા તેના ઘરે ફોન કરાવી હું વડોદરા મિત્રો સાથે છું તેવો તેના પત્નિને મેસેજ અપાવ્યો હતો. જો કે રસ્તામાં કાળી પટ્ટી કાઢી નાખી હતી.

4 કરોડની ખંડણી માંગી, 18 લાખ નક્કી કર્યાં
ગાડીમાં અપહરણકર્યાં બાદ એન્જીનીયર પાસે તેઓએ 4 કરોડ માંગ્યા એટલે તેણે કહ્યું કે, આટલી રકમ હું ચુકવી શકું તેમ નથી મને મારી નાખવો હોય તો મારી નાખો પણ 4 કરોડ હું ચુકવી શકું તેમ નથી. અંતે 18 લાખ ચુકવવાનું નક્કી કરાયું.

પત્નિના અપહરણની પણ ધમકી આપી
પહેલીવારમાં એન્જીનીયરે 4 કરોડ ચુકવવાનીના પાડતા તેની પત્નિને તેના ઘરેથી ઉઠાવી લઈશું તેવી ધમકી આપી હતી. જોકે બાદમાં 18 લાખ સ્વિકારવા સંમત થયાં હતા.​​​​​​​

જાળિયા ગામ પાસે પૈસા લઈને આવવાનું નક્કી કર્યું
એન્જીનીયરના પરિવારના એક સભ્યને ફોન કરી પૈસાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. આ સંબંધીએ લોકો પાસેથી પૈસા ભેગા કર્યાં હતા અને ખોડિયાર મંદિર જવાના રસ્તે જાળિયા ગામ પાસે પૈસા આપવા આવવાનું નક્કી થયું.​​​​​​​

એન્જીનીયર મુશ્કેલીમાં હોવાનું જણાયું
એન્જીનીયરને મુક્ત કરાવવા પૈસા ભેગા કરતા તેના સંબંધીને તે કોઈ મુશ્કેલીમાં હોવાનું કોઈએ જણવ્યું હતું અને તેણે ફોનમાં મુશ્કેલીમાં છો તે અંગે સોગંદ આપી પુછ્યું હતું પરંતું તેમણે પૈસાનો આગ્રહ રાખ્યો હતો.

કોઈનો ફોન આવતા મહેસાણા હાઈવે પર ઉતારી દીધાં
મહેસાણા હાઈ-વે પર તેઓ કારમાં આમ-તેમ ફરી રહ્યાં હતા ત્યારે અચાનક કોઈનો ફોન આવતા તેમણે એન્જીનીયરને હાઈ-વે પર ઉતારી મોબાઈલ પાકિટ લઈ થોડાં પૈસા આપી ત્યાંથી અપહરણકર્તા ભાગ્યા.

કલોલ થઈ અમદાવાદ જમાઈના ઘરે આવ્યા
રાત્રે હાઈવે ઉતર્યાં બાદ કલોલ થઈ અમદાવાદ જમાઈના ઘરે આવ્યા અને રસ્તામાં કોઈના ફોનથી સંબંધીને ફોન કરી પૈસા આપવા નહી જવા જણાવ્યું. જે બાદ પણ અપહરણકર્તાનો એન્જીનીયરના સંબંધી પર ફોન આવ્યો હતો. જોકે તેમણે ફોન સ્વિચ્ડ ઓફ કરી દીધો હતો.

મામલો પોલીસ પાસે પહોંચ્યો
જૈનસમાજના અગ્રણીઓને ઘટનાક્રમની જાણ થતાં તેઓએ ડીઆઈજીને જાણ કરતા અંતે મિલનભાઈએ વરતેજ પોલીસ મથકમાં અપહરણ અને 8 હજારની લૂંટની ફરિયાદ નોંધાવી હતી.

અંબર હોટલમાં જૈન ઉતાપમ લાવી આપ્યો
22 થી 25 વર્ષના લવરમુછિયા અપહરણકર્તા એન્જીનીયર વિશે બધું જ જાણતા હતા અને અંદરોઅંદર શુદ્ધ ગુજરાતીમાં વાત કરતા હતા. આ લોકો પાસે એન્જીનીયર ક્યાં રહે છે, શું કામ કરે છે, કેવો સ્વભાવ છે તે બધી જ જાણકારી હતી. બગોદરા પાસે અંબર હોટલમાં ગાડી ઉભી રાખ્યા બાદ 1 શખ્સ હોટલમાં જઈ તેમના માટે જૈન ઉતાપમ લાવ્યો હતો અને બોલ્યો કે, તમે જૈન ખાઓ છો, સાંજ પછી જમતા નથી, આ બધી અમને ખબર છે. એન્જીનીયરે ઉતાપમનું એક બટકું ખાધા બાદ ગભરાટને કારણે વોમિટ કરી દીધું હતું.

...તો જૈન સમાજ આંદોલન કરશે
અપહરણની આ ઘટનાથી જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને આ ઘટનાના આરોપીઓને તાકિદે જબ્બે કરી દાખલા રૂપ પગલા ભરવા માંગણી થઈ છે. આ પ્રશ્ને પોલીસ ઢીલીનિતિ રાખી આરોપીને તાત્કાલીક નહી પકડે તો જૈન સમાજ ધર્મ ચીંધ્યા માર્ગે આંદોલન કરશે. કારણ કે ભાવનગરમાં વેપારીઓ સામે લુખ્ખાગીરી વધી ગઈ છે.

ફોનમાં હિંદીમાં કહ્યું, કામ હો ગયા
અપહરણ કર્યાં બાદ રસ્તા પર એક પેટ્રોલપંપમાં ગાડી ઉભી રાખી બે શખ્સોએ એન્જીનીયરને પકડી બાર ઉભા રહ્યા હતા. જ્યારે એક શખ્સ ફોનમાં હિંદીમાં કોઈ સાથે વાત કરી બોલ્યો કે, કામ હો ગયા...

પોલીસ લખેલી ગાડીમાં અપહરણ થયું
અપહરણમાં ઉપયોગમાં લેવાયેલી ગાડીના ડેસ્કબોર્ડ પર પોલીસ લખેલી પ્લેટ લાગેલી હતી. જેથી ચિત્રામાંથી અપહરણ સમયે અહીં બબાલ ચાલતી જોઈ સ્થાનિક લોકોને આ અપહરણકર્તા પોલીસ વિભાગના ડી સ્ટાફના માણસો લાગ્યા અને કોઈ આરોપીને પકડતા હશે તેવું માની આ માથાકુટમાં કોઈ દરમિયાનગીરી કરી નહી.

અન્ય સમાચારો પણ છે...