આ વર્ષે તારીખ 14 જૂન અને મંગળવારે જેઠ સુદ પૂનમના દિવસે વટસાવિત્રી પૂનમનું વ્રત ઉજવાશે. આ દિવસે સૌભાગ્યવતી બહેનો વડના વૃક્ષની અને સત્યવાન સાવિત્રી તથા યમરાજની પૂજા કરે છે. આ વ્રતની પાછળ નો હેતુ પોતાના પતિના દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ અને પોતાના અક્ષય સૌભાગ્યની પ્રાર્થના હોય છે આપણા પૌરાણિક ગ્રંથો મુજબ વડનું વૃક્ષ એ દેવનું સ્વરૂપ છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં દરેક ગામમાં વડનું વૃક્ષ અચૂક પણે જોવા મળે છે.
ભારતીય શાસ્ત્રોમાં તહેવારોની પાછળ એક અદભુત શ્રદ્ધા તો કામ કરે છે પણ આપણા ઋષિ મુનિઓની ગહનતાને સમજવાનો પ્રયાસ કરીએ તો દરેક તહેવારો અને વ્રતની પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ જોવા મળે છે સાવિત્રી પૂનમ નું વ્રત સમાજને વૃક્ષની જાળવણીનો એક અમૂલ્ય સંદેશ પણ આપે છે.
હિન્દુ શાસ્ત્રોમાં પીપળાની જેમ જ વડના વૃક્ષને પણ અત્યંત પવિત્ર અને શુભતાનું કારક માનવામાં આવે છે. આ પર્વના દિવસે વડની પૂજા કરવામાં આવે છે જેની પાછળ સતિ સાવિત્રી અને સત્યવાનની કથા જોડાયેલી છે જેણે પોતાના પતિવ્રત અને સતીત્વનીના પ્રભાવથી યમરાજાના હાથમાંથી પોતાના મૃત પતિના પ્રાણ પાછા મેળવ્યા હતા.
જેઠ સુદ પૂનમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓએ વડના વૃક્ષને પાણીનું સિંચન કરવું, વૃક્ષના થડને સૂતરનો દોરો વેચવો અને ઓમ નમો: વૈવસ્તાય નમો નમઃ મંત્ર બોલવો. ભક્તિ અને શ્રદ્ધા સાથે ચંદનનું તિલક કરવું ચોખા અને ફૂલ ચઢાવવા સાથે પૂર્ણ સમર્પણના ભાવ સાથે વડની પરિક્રમા કરવી.
પતિ અને પુત્રોના દીર્ઘાયુષ અને સ્વાસ્થ્યની તેમજ અખંડ સૌભાગ્યની પ્રાર્થના કરવી આ વ્રત 14 વર્ષ સુધી કરવાની પરંપરા છે દર વર્ષે 14 ફળો અને 14 નૈવેદ્ય પણ અર્પણ કરી શકાય છે. માતા સાવિત્રી દેવીનું પૂજન કરવાનો પણ મહિમા છે તેમ શ્રીધર પંચાંગ વાળા કિશનભાઇ જોશીએ જણાવ્યું છે.
શાસ્ત્રોક્ત રીતે વડની મહત્તા
પીપળાના વૃક્ષની જેમ જ વડના અગ્રભાગે દેવાધિદેવ મહાદેવનો વાસ, મધ્ય ભાગે શ્રી હરિ ભગવાન વિષ્ણુનો વાસ તથા વડના મૂળમાં ભગવાન બ્રહ્માનો વાસ માનવામાં આવે છે એક કથામાં કરેલા વર્ણન અનુસાર વડ માં સતી સાવિત્રીના વાતનો પણ ઉલ્લેખ છે. વટમલે સ્થિતો બ્રહ્મા, વટ મધ્યે જનાર્દન:, વટાગ્રે તુ શિવો દેવ, સાવિત્રી વટસંશ્રીતા. આ શ્લોક છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.