કાર્યવાહી:અલંગ યાર્ડમાં ભંગાવા માટે આવેલા શિપમાં જામનગર કસ્ટમ્સની તપાસ

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભાંગવા માટે આવી પહોંચેલા ડામર કેરિયરની તપાસાર્થે જામનગર કસ્ટમ્સનું પ્રીવેન્ટિવ વિભાગ આવી પહોંચ્યુ છે, જ્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ની ટુકડી પણ તલસ્પર્શી ચકાસણી માટેે જહાજ પર જવાની છે.છેલ્લા બે માસથી દીવની સામેના દરિયામાં ડામર કેરિયર જહાજ ઇન્ફિનિટી-1ને ઉભુ રાખવામાં આવ્યુ હતુ, અને અલંગમાં વેચવા માટે જુદા જુદા અંતિમ ખરીદનારોના સંપર્ક કરવામાં આવી રહ્યા છે. ઇન્ફિનિટી-1 જહાજના ઓપરેટર ગ્લોબલ ટેન્કર્સ પ્રા.લિ.ને અમેરિકા સહિતના ઓફેક દેશોના પ્રતિબંધમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ ઓપરેટરનું એક જહાજ ગ્લોબલ રાની તાજેતરમાં પિપાવાવ ખાતે પ્રતિબંધિત ઇરાનથી 3800 ટન ડામર સાથે આવતા ડીઆરઆઇ દ્વારા સીઝ કરવામાં આવ્યુ હતુ. આ કંપની દ્વારા જ ઇન્ફિનિટી-1 વ્યાવસાયિક ઓપરેટર તરીકે ચલાવવામાં આવે છે.આવા કારણોસર જહાજ બાબતે કસ્ટમ્સ અને જીપીસીબીના કાન ઉંચા થઇ ગયા હતા. ઇન્ફીનિટી-1 જહાજ ગુરૂવારે અલંગ એન્કરેજ પર આવી પહોંચ્યુ હતુ, અને તેને અલંગમાં પ્લોટ નં.73 પ્યોર એન્ટરપ્રાઇઝસીસ પ્રા.લિ. દ્વારા ખરીદવામાંં આવ્યુ છે.

જામનગર કસ્ટમ્સ પ્રીવેન્ટિવની એક ટુકડી આ જહાજના ચેકિંગ માટે ભાવનગર આવી પહોંચી હતી અને સીધી જહાજ પર પહોંચી છે. સંભવત: શનિવારે જીપીસીબીની ટુકડી પણ જહાજના ચેકિંગ માટે જવાની છે.કસ્ટમ્સના અધિકારીઓને માહિતી મળી હતી કે, ઇન્ફિનિટી-1 ડામર કેરિયર છે અને ડામર તમામ ટેન્કમાં નીચે ચોંટેલો હોવાનું જણાવવામાં આવે છે, ડામર ક્યારેય સંપૂર્ણ ક્લીન થતો નથી, અને કટિંગ કામગીરી વખતે ડામરના ધુમાડા ઉડી શકે, સળગી પણ શકે છે. તેથી તેની ચકાસણી કરવામાં આવી રહી છે, ઉપરાંત જીપીસીબી પણ આ જહાજ પર શંકાની નજર રાખીને બેઠું છે અને શનિવારે ચેકિંગ માટે નિષ્ણાંતોની ટુકડી જવાની છે.

...તો ભાવનગર કસ્ટમ્સે કરવાનું શું ?
અલંગમાં ભંગાવવા માટે આવતા શંકાસ્પદ જહાજોની ચકાસણી માટે જામનગર કસ્ટમ્સની પ્રીવેન્ટિવ ટુકડીઓ અવાર-નવાર આવે છે. અલંગમાં આવતા જહાજોની ચકાસણીની પ્રથમ અને પ્રાથમિક જવાબદારી જેના શિરે છે તે ભાવનગર કસ્ટમ્સની ભૂમિકા પર જામનગર કસ્ટમ્સના આંટા-ફેરા શંકા પ્રેરે છે. ભાવનગર કસ્ટમ્સના અધિકારીઓ પણ મુંઝાવા લાગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...