જલારામ બાપાની 223મી જન્મજયંતી:ભાવનગરમાં જલારામ બાપાની જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરાશે, જલારામ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સમગ્ર વિશ્વમાં જેમની સેવાના નામના ડંકા વાગે છે. તેવા પૂજ્ય જલારામ બાપાની 223મી જન્મ જયંતીની ઠેર ઠેર ઉજવણી તારીખ 31 ઓક્ટોબરના રોજ કરાશે. જેના ભાગરૂપે ભાવનગરના જલારામ મંદિર આનંદ નગર ખાતે પૂજ્ય બાપાની જન્મ જયંતીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.

સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો થશે
જલારામ મંદિર આનંદનગરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. પૂજ્ય બાપાની જન્મ જયંતીના દિવસે તારીખ 31 ઓક્ટોબરના રોજ સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે સવારે 8:15 વાગ્યે ધજા પૂજન, 8:30 વાગ્યે બાપાનું પૂજન, 11 વાગ્યે પૂજ્ય બાપાને 223 વાનગીઓનો ભવ્ય અન્નકૂટ કરવામાં આવશે, જેના દર્શન તેમજ બપોરે 12:15 વાગ્યે પૂજ્ય બાપાની મહાઆરતી કરવામાં આવશે. જલારામ જયંતીના દિવસે મંદિર સવારે પાંચ વાગ્યાથી રાત્રિના 9:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. જલારામ જયંતી નિમિત્તે રેડ ક્રોસ સોસાયટીના સહકારથી મેડિકલ કેમ્પ, રક્તદાન શિબિર, પ્રાથમિક સારવારની ટુકડી તેમજ ચક્ષુદાન, દેહદાન, અંગદાન વગેરેના સંકલ્પ પત્રો ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રતિ વર્ષ 20 હજાર કરતાં વધુ ભક્તજનો મહાપ્રસાદનો લાભ લે છે
જલારામ જયંતીના દિવસે આનંદનગર જલારામ મંદિર ખાતે સમગ્ર દિવસ દરમિયાન 80 હજાર કરતાં વધુ ભક્તજનો દર્શનનો લાભ લેવા પધારે છે. તેમજ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે. પૂજ્ય જલારામ બાપાના મંત્ર સમાન ટુકડો ત્યાં હરિ ઢુકડો સૂત્રને સાર્થક કરતા ભાવનગરના સર્વે જ્ઞાતિ અને ભક્તજનો માટે મહાપ્રસાદ સવારે 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી જલારામ મંદિર આનંદ નગર ખાતે યોજાશે. જેમાં પ્રતિ વર્ષ 20 હજાર કરતાં વધુ ભક્તજનો મહાપ્રસાદનો લાભ લે છે. હાલમાં મહાપ્રસાદ માટેની પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. આથી સર્વ ભક્તજનોને પૂજ્ય બાપાની જન્મ જયંતીના રોજ મહાપ્રસાદ અને દર્શનનો લાભ લેવા જલારામ મંદિર આનંદનગર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...