તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:યુનિ.માં 7 હજારથી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે આ વર્ષે મુશ્કેલી સર્જાશે

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માસ પ્રમોશન ઈફેક્ટ:કોલેજોમાં સંખ્યાધિક વર્ગ કે વર્ગ વધારો કરવો પડશે
  • યુનિ.માં કોલેજોના પ્રથમ વર્ષમાં પ્રવેશ ક્ષમતા 26,840 સામે 34 હજાર છાત્રો પાસ થશે

ધો.12માં તમામ વિદ્યાર્થીઓને પાસ કરી દેવાનો નિર્ણય કરવામાં આવતા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. કે જેમાં સાયન્સ, આર્ટસ અને કોમર્સ સહિતની વિવિધ કોલેજોમાં તેમજ ડિપ્લોમા મળીને પ્રથમ વર્ષમાં કુલ પ્રવેશ ક્ષમતા અંદાજે 26,840 વિદ્યાર્થીઓની છે જેથી આમ તો દર વર્ષે સેંકડો બેઠકો વણપુરાયેલી રહે છે પણ આ વર્ષે ભાવનગર અને બોટાદ જિલ્લાના કુલ મળીને 34 હજારથી વધુ વિદ્યાર્થીઓ હોય 7 હજારથી વધુ વિદ્યાર્થીઓને ભાવનગરની યુનિ.માં પ્રવેશ માટે અત્યારથી મુશ્કેલી સર્જાઇ છે. ધો.12ના રિઝલ્ટ માટે કોઈ ગાઈડલાઈન હજુ આવી નથી. જો વર્ગ વધારે અને તમામને કદાચ એડમિશન મળી જાય તો પણ પોતાની મનગમતી ફેકલ્ટીમાં તો પ્રવેશ નહીં જ મળે. માસ પ્રમોશનના આ નિર્ણયને કારણે યુનિ.માં પ્રવેશ માટે વિકટ સ્થિતિ ઉભી થશે.

સાયન્સ માટે ઇજનેરીનો વિકલ્પ
ભાવનગર અને બોટાદ જિલ્લામાં ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 6,200 જેટલા વિદ્યાર્થીઓ પાસ થવાના છે. ત્યારે આ વિદ્યાર્થીઓ માટે રાજ્યની ઇજનેરી કોલેજોમાં પ્રવેશ માટે વિકલ્પ છે. જેમાં દર વર્ષે 33 હજારથી વધુ બેઠકો ખાલી રહી છે. જો કે આ વર્ષે તેમાં પણ ધસારો વધશે. વળી આ ફેકલ્ટીમાં જેઇઇનું મેરિટ પણ ગણવામાં આવે છે.

ઓનલાઇન MCQ કે ઓપન બુક એક્ઝામ યોજી શકાત
તજજ્ઞોએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે. જેથી પરીક્ષા થોડા સમય પછી લેવી જોઇતી હતી અથવા તો ઓનલાઇન એમસીક્યૂ કે પછી ઓપન બુક એક્ઝામ લેવી જોઇતી હતી. પરીક્ષા નહીં લેવાય અને સ્કૂલના ઇન્ટર્નલ માર્ક્સને આધારે માર્કશીટ બનશે તો રિઝલ્ટ ઊંચુ આવે તેવી સંભાવના છે. જેથી આવી સ્થિતિને પગલે કોલેજોએ ના છૂટકે ત્રણથી પાંચ ટકા સુધી કટ ઓફ વધારવાની ફરજ પડે તેવું ચિત્ર ભવિષ્યમાં જોવા મળી શકે.

પ્રવેશ માટે કોઇને વાંધો નહીં આવે
ભાવનગર યુનિ.માં આમ તો 40 ટકા જેટલી બેઠકો ખાલી રહેતી હોય છે પણ આ વર્ષે જ્યારે ધો.12માં માસ પ્રમોશન હોય વિદ્યાર્થીઓની સંખ્યા વધશે. ત્યારે કોલેજોમાં ખાલી રહેતી બેઠકો ભરાઇ જશે. આમ છતાં કોઇ વિદ્યાર્થીઓને એડમસ્શન નહીં મળે તો યુનિ. તત્કાલ યોગ્ય નિર્ણય કરીને કોઇ વિદ્યાર્થી પ્રવેશ વંચિત ન રહે તે જોશે. > ડો.મહિપતસિંહ ચાવડા, કુલપતિ, એમ.કે.બી. યુનિ.

યુનિ.માં પ્રવેશ ક્ષમતા

ફેકલ્ટીપ્રવેશ ક્ષમતા
આર્ટસ8710 બેઠક
કોમર્સ8700 બેઠક
સાયન્સ4350 બેઠક
બીબીએ900 બેઠક
બીસીએ1050 બેઠક
બીઆરએસ150 બેઠક
બીએસડબલ્યુ285 બેઠક
બીએસસી IT75 બેઠક
બી.કોમ.ઓનર્સ300 બેઠક
વિવિધ ડિપ્લોમા2320 બેઠક
કુલ બેઠક26,840
અન્ય સમાચારો પણ છે...