મંજૂરી:ધોરણ 9 અને 11માં નાપાસ છાત્રોની પુન: પરીક્ષા લેવાનો નિર્ણય થયો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાળા કક્ષાએથી પ્રશ્નપત્ર તૈયાર કરાશે
  • નાપાસ વિદ્યાર્થીઓની 13 જૂનથી શાળાઓ ખુલ્યા પછી શાળા કક્ષાએથી પરીક્ષા લેવાશે

સમગ્ર ગુજરાતમાં આ વર્ષે પણ કોરોનાની મહામારી શરૂ રહી હોય આ પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2021-22માં ધોરણ 9 અને ધોરણ 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની શાળા કક્ષાએથી ફરીથી પરીક્ષા લેવા બાબતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સમક્ષ અનેક રજૂઆત મળી હતી.

આ રજૂઆતો બાબતે સરકાર દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં પુનઃ પરીક્ષા લેવા માટે મંજૂરી આપવામાં આવી છે. આથી શૈક્ષણિક વર્ષ 2021-22માં ધોરણ 9 અને ધોરણ 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે વધુ એક તક આપવામાં આવી છે. જે મુજબ 13 જૂને વેકેશન ખુલ્યા બાદ પુન: પરીક્ષા લેવાશે.

શૈક્ષણિક વર્ષ 2021માં ધોરણ 9 અને ધોરણ 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રિ-ટેસ્ટ આગામી તારીખ 13 જૂનથી શાળાઓ ખુલ્યા પછી શાળા કક્ષાએથી લેવાની રહેશે.આ પૂન: પરીક્ષાનો કાર્યક્રમ તેમ જ પ્રશ્નપત્રો શાળા કક્ષાએથી તૈયાર કરવાના રહેશે.

આ અંગેની જરૂરી કાર્યવાહી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના તાબા હેઠળની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા કરવામાં આવે તે બાબતે તમામ શાળાઓને જાણ કરવા ગુજરાત બોર્ડના સંયુક્ત નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તાકીદ કરી છે.

આમ આ વર્ષે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરિક્ષામાં નોંધપાત્ર પ્રમાણમાં વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાની ફરિયાદ બોર્ડને મળ્યા બાદ આ નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...