અવઢવ:રાજકિય પક્ષોના લોક સંપર્કમાં પણ લોકોને ઘરની બહાર કાઢવા અઘરા

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિકાસના મુદ્દા લઈ પ્રચાર મુશ્કેલ તો ભૂતકાળના કામ યાદ કરાવવા ભારે પડે છે
  • મતદારોનો મિજાજ કળવો મુશ્કેલ, ઉમેદવારો પણ અકળાયા

વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષના ઉમેદવારો દ્વારા ચૂંટણી પહેલાના જેટલા દિવસો બાકી છે તેમાં સમયનો સદઉપયોગ કરી લોક સંપર્કમાં લાગી ગયા છે. પરંતુ ચૂંટણી પ્રચારમાં શાસક વિપક્ષને ભારે અવઢવ થઈ પડી છે.

લોકોને પડતી હાડમારી અને અનેક સમસ્યાઓને કારણે ભાજપ દ્વારા વિકાસના કામો લઈ પ્રચાર કરવા મુશ્કેલરૂપ બને છે. જ્યારે કોંગ્રેસ પોતાના કાર્યકાળ દરમિયાનના કામો પ્રજાને યાદ કરાવવાની કોશિશ કરી રહ્યું છે જેમાં પણ જોઈતો પ્રતિસાદ સાંપડતો નથી. જેથી મતદારોને કળવા ઉમેદવારો માટે અઘરું થઈ પડ્યું છે.

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ઉમેદવારો લોકોના ઘર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચૂંટણી માટે રાજકીય પક્ષોના કાર્યકરો અને ઉમેદવારો સિવાય સામાન્ય પ્રજાજનોને કોઈપણ જાતનો રસ જ ન હોય તેવું વાતાવરણ ઊભું થયું છે.

ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અન્ય પક્ષ અને અપક્ષના ઉમેદવારો દ્વારા લોક સંપર્ક દ્વારા લોકોને પોતાના અને પોતાના પક્ષ પર વિશ્વાસ બેસાડવાનો પ્રયત્ન કરે છે. પરંતુ લોકો પણ શરમે ધરમે ઘરની બહાર નીકળી ઉમેદવારોનું અભિવાદન કરી રહ્યા છે. શાસક દ્વારા વિકાસ કાર્યો જ્યારે અન્ય પક્ષ દ્વારા વચનોની લ્હાણી કરી મતદારોને રીઝવા માટેનો પ્રયાસ કરે છે.

ભાજપના કાર્યકરોને પણ સ્થાનિક કક્ષાએ ઉમેદવારો સાથે પ્રચારમાં સ્થાનિક પડતર પ્રશ્નો તેમજ રાજ્ય અને રાષ્ટ્રીય સમસ્યાઓને કારણે મુશ્કેલી પડી રહી હોવાનું ખુદ કાર્યકરોમાં જ કચવાટ છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા વચનોની હારમાળા સર્જી છે ત્યારે સામાન્ય પ્રજાજનોને પણ કોની પર વિશ્વાસ રાખવો તેના અવઢવમાં છે.

પરંતુ વાસ્તવિકતા તો તે છે કે ચૂંટણી એકદમ નજીક હોવા છતાં પણ ઉમેદવારોના કાર્યાલયો, સભા, રેલીઓ, લોક સંપર્કમાં માત્રને માત્ર કાર્યકરો જ જોવા મળે છે સામાન્ય લોકોને તો ઘરની બહાર કાઢવા પણ સ્થાનિક આગેવાનો દ્વારા જાગોતરું આયોજન કરવું પડે છે.

જમવા ટાણે જમેલો પ્રચારમાં નિરસ
રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા મતદારોને આકર્ષવા માટે સોસાયટીઓ, ફ્લેટ સહિતના વિસ્તારોમાં સભાઓ દ્વારા પ્રચાર કાર્ય કરી રહીશો માટે ભોજનનુ પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે વોર્ડ અને મધ્યસ્થ કાર્યાલયે પણ ચા નાસ્તો અને જમણવાર સતત શરૂ જ રહેતું હોય છે. અને તેમાં પણ જમવામાં જગલાની જેમ જમેલો જામે છે. પરંતુ ઘણા વિસ્તારોમાં તો ઉમેદવાર પ્રચારમાં હોય તેની સાથે ગણ્યા ગાંઠ્યા કાર્યકરો માંડ હોય છે.

અન્ય સમાચારો પણ છે...