તપાસ:કુંભારવાડામાં નકલી CGST કર્મી બની કરાતા તોડની તંત્ર દ્વારા તપાસ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ હાઇ-વે પર નકલી મોબાઇલ સ્કવોડના તોડની રાવ
  • ભેજાબાજ ગુજરાતીમાં ધમકાવતો હોવાથી વેપારીઓને જન્મી શંકા

જીએસટીની ગેરરીતિઓ બાબતે સમગ્ર રાજ્યમાં પંકાયેલા ભાવનગરમાં જીએસટી તંત્રની સમાંતર નકલી જીએસટી ઓફિસરો પણ કાર્યવાહીની આડમાં તોડ કરી રહ્યા હોવાની ઘટનાઓ સપાટી પર આવતા તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

ભાવનગર શહેરમાં સીજીએસટી, સ્ટેટ જીએસટી દ્વારા બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ લેવા જેવા ગેરરીતિઓના કિસ્સા ડામવા માટે હાલ ડ્રાઇવ શરૂ છે, અને સ્પોટ વેરિફિકેશનની પણ કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. શહેરના કુંભારવાડા, વીઆઇપીમાં નકલી સીજીએસટી અધિકારી દ્વારા જીએસટીના સમન્સ, ઇન્કવાયરીના નામે ભેજાબાજો ઉતરી આવ્યા હતા. અને તમારે ત્યાં છેલ્લા એક માસમાં આવેલા માલના ઇ-વે બિલ, ઇન્વોઇસ સહિતની ચકાસણી કરવાની છે, અને તાજેતરમાં મળી આવેલા બોગસ બિલિંગમાં તમારે ત્યાંથી બિલ ગયા હોવાની માહિતી છે તેથી તપાસ ચાલી રહી હોવાનું કડક ભાષામાં જણાવ્યુ હતુ. અને હું સીજીએસટી ભાવનગરના જોઇન્ટ કમિશનર અનિષ પરાશરનો કર્મચારી છું તેમ રોફ જાડ્યો હતો.

ભાવનગરના કુંભારવાડા અને વીઆઇપી વિસ્તારમાં જે નકલી સીજીએસટી અધિકારી બનીને આવ્યો હતો તે ગુજરાતી ભાષામાં વાતો કરી રહ્યો હતો અને સીજીએસટી ભાવનગરમાં 1ને બાદ કરતા તમામ કર્મચારીઓ હિન્દીભાષી હોવાની બાબત એક વેપારીને ખબર હતી. હાલ તંત્ર દ્વારા નકલી ઓફિસર બનીને તોડ કરી રહેલા ભેજાબાજ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

અગાઉ પણ ભાવનગરથી મામસાની વચ્ચે મોબાઇલ સ્ક્વોડ નિયમીત રીતે ચેકિંગમાં હોય છે તેવી જ રીતે સફેદ બોલેરો કાર લઇને માલવાહક વાહનોને અટકાવીને ઇન્વોઇસ, ઇ-વે બિલ સહિતની ચકાસણીઓ કરી રહ્યા હતા, અને ડ્રાઇવર વાત કરવામાં જરાપણ થોથરાય તો તુરત જ તોડ કરવામાં આવતા હતા.

આમ, ભેજાબાજોએ બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ સહિતની ગેરરીતિઓથી કરોડો રૂપિયા ગજવામાં સેરવી લીધા બાદ હવે નકલી જીએસટી અધિકારીઓ પણ કાર્યવાહી ટાળવા માટે વેપારીઓનો તોડ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...