ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં ભેજાબાજો દ્વારા અવનવી તરકીબો અપનાવી-અધિકારીઓ સાથે મેળાપીપણું રચી અને કરોડો રૂપિયાની કરચોરી કરવામાં આવી રહી છે તેને ડામી દેવા માટે કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં નવી મોડેસ ઓપરેન્ડી સામે આવી છે. વેપારીઓ દ્વારા કરવામાં આવતા વેચાણ પર ચૂકવવાપાત્ર વેરામાંથી ખરીદી ઉપર કરેલ મુલ્યવર્ધન ઉપર જ નેટ વેરો ભરવાનો થાય છે. પરંતુ વેપારીઓ છીંડાનો લાભ લઇ કૌભાંડો રચી રહ્યા છે.
જીએસટી કાયદાની જોગવાઇ મુજબ દર મહિને પોતાને ભરવાપાત્ર થતો વેરો પત્રક GSTR-3B મારફત ભરવાનો થાય છે. આ પત્રક મુજબ વેપારીએ પોતાના આઉટવર્ડ સપ્લાય પર ભરવાના થતા વેરામાંથી ઇન્વર્ડ સપ્લાય વખતે ભરેલ વેરો બાદ કરી નેટ વેરાની ગણતરી કરી તે મુજબ વેરો ભરવાનો રહે છે. ખરીદી પર મળવાપાત્ર વેરાશાખની ગણતરી ફોર્મ GSTR-2Bમાં ઉપલબ્ધ કરવામાં આવે છે. વેપારી પોતાની ખરીદી અન્ય વેપારી પાસેથી કરે ત્યારે GSTR-1માં વિગતો દર્શાવે છે. કાયદાની જોગવાઇ પ્રમાણે GSTR-2Aમાં ઉપલબ્ધ વેરાશાખના 105 ટકા પ્રમાણે વેપારી ક્લેમ કરી શકે છે.
ભેજાબાજો ઉપલબ્ધ વેરાશાખ કરતા GSTR-3Bમાં વધારે વેરાશાખ ક્લેમ કરે છે. અને ભરવાપાત્ર કરવેરા કરતા ઓછો વેરો ભરે છે, તેના કારણે સરકારી આવકને નુકસાન થાય છે. ખાસ સોફ્ટવેરની મદદથી 2021-22ના પ્રથમ ક્વાટરના આંકડાનું વિશ્લેષણ કરવામાં આવતા 99 મોટા વેપારીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જે પૈકી 78 વેપારીઓ મળી આવેલ નથી. જેથી તેમના વ્યવહારો શંકાસ્પદ જણાય છે અને બોગસ બિલિંગ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય તેમના અગાઉના વ્યવહારો ચકાસવામાં આવી રહ્યા છે. પ્રથમ ક્વાટરમાં 171 કરોડની ખોટી વેરાશાખ લીધી હોવાનું સપાટી પર આવ્યુ છે અને આવા વેપારીઓની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.