કાગળના ભાવમાં છેલ્લાં કેટલાકબ સમયથી સતત વધારો થતો હોય રાજ્યમાં જથ્થાબંધ બજારમાં પેપરની કિંમતોમાં ભારે વધારો થયો છે. આથી નોટબુક અને ટેક્સ્ટબુકની કિંમતોમાં પણ મોટો વધારો થયો છે. આ સાથે શાળાઓએ ફી વધારવાની હિલચાલ શરૂ કરી દીધી, જ્યારે સ્કૂલ બસ સેવા પણ મોંઘી થવાની છે.
ભાવનગરમાં વેપારીઓ સાથે વાતચીત કરતા નોટબૂક અને ચોપડાની કિંમતમાં 25થી 30 ટકાનો વધારો થયો છે તેમ જણાવ્યું હતુ. આગામી સત્રથી એટલે કે જૂનમાં મોંઘવારીનો માર મધ્યમ વર્ગ પર પડવાનો છે. આગામી જૂન માસમાં ફી, સ્કૂલ બસ ફી અને નોટબૂક-ચોપડા અને સ્વાધ્યાય પોથીની કિંમતમાં વધારોનો માર સહન કરવાનો સમય આવવાનો છે.
પેપરના વધેલા ભાવોને કારણે પુસ્તકોમાં ભાવવધારો થયો છે. આથી ગ્રાહકો પરવડે તેવા માલની માગણી કરશે. દરમિયાન કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી શૈક્ષણિક ફીમાં અનેક શાળાઓએ વધારો કર્યો નહોતો, પરંતુ આગામી શૈક્ષણિક વર્ષથી તેઓ ભાવવધારો કરવા વિચારી રહી છે. અનેક શાળાઓએ તો વાલીઓને આ અંગેની જાણ પણ કરી દીધી છે. બીજી બાજુ પેટ્રોલ- ડીઝલના ભાવોમાં મોટા વધારાને લીધે શાળાની બસ સેવા પણ મોંઘી થશે.
અત્યાર ભાવનગરની બજારમાં ચોપડાની કિંમત રૂ.20થી લઇને રૂ.40 છે તેમાં હાલ રૂ.5નો વધારો કરાયો છે અને હવે નવો માલ આવશે તેમાં વધુ રૂ.5નો વધારો થશે તેમ વેપારીઓ જણાવી રહ્યાં છે. આથી એક ચોપડે નવા સત્રથી રૂ.10 વધારે ચૂકવવા પડશે. ફી પણ વધવાની છે તો સ્કૂલ બસ કે રીક્ષામાં પણ ફી વધવાની છે.
સત્ર શરૂ થતા પૂર્વે વાલીઓ અત્યારથી જ ચિંતામાં મુકાયા
શાળાઓ દ્વારા શિક્ષણ ફીમાં દર બે વર્ષે 10થી 15 ટકાનો વધારો કરવામાં આવે છે. જોકે કોરોનાને લીધે બે વર્ષ કોઈ વધારો કરાયો નહોતો. આથી આ વખતે ફી વધારો નિશ્ચિત છે. આથી વાલીઓમાં ચિંતાનું વાતાવરણ છે. મહામારીમાંથી માંડ બેઠા થઈ રહ્યા છે ત્યાં પુસ્તકો, શાળાની ફી, સ્કૂલ બસ ફીમાં વધારાને લીધે અનેક પરિવારોને આર્થિક ગણિત ડામાડોળ થઈ જવાનો ડર છે.
ચોપડામાં ભાવ ન વધાર્યા તો પાના ઘટાડી દીધા
અમારે ત્યાં હજી જે ચોપડા રૂ.20ના મળે છે તે બે વર્ષ પહેલા પણ રૈ.20ના જ મળતા હતો. પણ ત્યારે તે ચોપડામાં કુલ પેઇજની સંખ્યા 174 આતી હતી અને અત્યારે રૂ.20માં વેચાતા ચોપડામાં પેઇજની સંખ્યા ઘટીને 112 થઇ ગઇ છે. આમ, ભાવ વધારાની યેનકેન પ્રકારે સ્ટેશનરી પર આડ અસર થઇ છે. - વિરાગભાઈ દોશી, કિતાબ ઘર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.