શિયાળાની ઠંડી જામી છે ત્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ થઇ ગઇ છે અને રોજ સરેરાશ 38 હજાર થેલા લાલા ડુંગળીની આવક શરૂ થઇ ગઇ છે જો કે ખેડૂતોને હજી 20 કિલોએ માત્ર રૂા.100થી રૂ.329 જેવો ભાવ મળતો હોય ખેડૂતો હાલ આ ભાવથી નુકશાનીમાં છે અને ભાવ વધવા જોઇએ તેવી માંગ કરી રહ્યાં છે. આજે લાલ ડુંગળીમાં 20 કિલોએ વધુમાં વધુ રૂ.329 મળ્યા તે પણ ઓછા છે અને મણે રૂ.400થી 500 મળવા જોઇએ તો જ ખેડૂતો પોતાના પરિવારનો નિર્વાહ ચલાવી શકે અન્યથા ખોટનો ધંધો બની રહે છે. આથી જ હજી ઘણા ખેડૂતો ભાવ વધવાની રાહમાં માલ વેચવા આવતા નથી.
હાલ જે ભાવ મળે છે તેમાં તો ખેડૂતોએ કરેલો ખર્ચ પણ નિકળતો નથી. આ સંજોગોમાં સરકારે નિકાસબંધી દુર કરી ખેડૂતોના લાભમાં જ્યાં વધુ ભાવ મળે તેવી નીતિ અખત્યાર કરવી જોઇએ. રાજ્યમાં આ વખતે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ ઘટતા, લોકોને તો ફાયદો થયો છે, પરંતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યાં. ડુંગળીનું ઉત્પાદન માર્કેટિંગ યાર્ડમાં વેચાવા આવ્યું ત્યા સુધી ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા હતા, પરંતુ અન્ય રાજ્યની ડુંગળીની આવક થતાં માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ગગડી ગયા છે.
ભાવનગર માર્કેટ યાર્ડમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન મબલખ ડુંગળીની આવક થઇ છે,હાલ એક મણે 150ની રૂપિયા નુકસાની ભોગવવી પડી રહી છે. જોકે તેમ છતાં ખેડૂતોએ ડુંગળીનું જ વધારે વાવેતર કર્યું છે. એક માસમાં ભાવનગર જિલ્લામાં રવિ પાકના વાવેતરમાં 52, 900 હેક્ટરનો વધારો નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં હાલ રવિ પાકનું વાવેતર 1,16,000 હેકટરને આંબી ગયું છે. જેમાં સૌથી વધુ વાવેતર ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીનું થયું છે. ડુંગળીની વાવણી 31,198 હેક્ટર જમીનમાં થઈ છે. ઘઉં અને ચણાનું વાવેતર પણ નોંધપાત્ર થયું છે.
યાર્ડમાંથી ક્યાં ક્યાં થાય છે નિકાસ ?
ભાવનગર યાર્ડમાં ડુંગળીની જે આવક થાય છે તેની નિકાસ દિલ્હી, પંજાબમાં સૌથી વધુ થાય છે. આ ઉપરાંત બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યમાં ભાવનગરથી નિકાસ થાય છે.
મણે રૂ.400થી 500 મળવા જોઇએ
ડુંગળીના ખેડૂતોએ જણાવ્યું હતુ કે અમે વાવણી કરીએ ત્યાંથી લલણી કરીએ ત્યાં સુધીમાં ભાવ ધવારો થયો છે. મજૂરને એક દિવસના રૂ.300થી 350 આપવા પડે છે. બિયારણ, દવા, ખાતર વિગેરેનો ખર્ચ ગણો તો એક મણનો ભાવ રૂ.400થી રૂ.500 રહે તો જ પોષણક્ષમ ભાવ ગણાય. તેનાથી ઓછો ભાવ હોય તો નુકશાન ગણાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.