વર્ષીતપના પારણા:તીર્થનગરી પાલીતાણામાં 600થી વધુ તપસ્વીઓએ વર્ષીતપના પારણા કર્યા, મોટી સખ્યામાં યાત્રાળુઓ ઉમટ્યાં

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૈન ધર્મમાં અખાત્રીજના દિવસે અને એ પણ પાલીતાણામાં વર્ષી તપના પારણાનું અનેરૂ મહત્વ

જૈનોના અતિપ્રાચીન અને મહત્વપૂર્ણ આજે અખાત્રીજ છે. ત્યારે આજના દિવસનુ જૈન ધર્મમાં અનોખું જ મહત્વ છે. આ દિવસે જે પણ જૈનોએ વર્ષીતપ કર્યા હોય એમના ઈક્ષુરસ (શેરડીનો રસ) થી પારણા કરવામાં આવે છે. આખું વર્ષ બધી ૠતુઓ, અનુકુળ કે પ્રતિકુળ ગણાતા તીર્થધામ પાલીતાણામાં વર્ષી તપના પારણા કરવા એ એક જીવનનો સૌથી મોટો લ્હાવો છે, બધા જ તપસ્વીઓની એક મહેચ્છા રહેતી જ હોય કે એમના વર્ષીતપના પારણા પાલીતાણામાં થાય.

હજારો વર્ષ પૂર્વે જૈનોના પ્રથમ રાજા, પ્રથમ ત્યાગી અને પ્રથમ તીર્થંકર એવા શ્રી ઋષભદેવ ભગવાને સંસાર છોડી અને સયમ ગ્રહણ કર્યો અને તેમના સયમ ગ્રહણના 400 દિવસ સુધી નિર્જલા ઉપવાસ કરનારા ઋષભદેવને વૈશાખસુદ-3 ના દિવસે શ્રેયાંસકુમાર ઇક્ષુ રસથી પારણું કરાવે છે. આમ તીર્થંકર ભગવાનના પારણાનો દિવસ અખાત્રીજ હોય આ દિવસનું મહત્વ ખુબ જ રહેલું છે. ધર્મ આદિ કરનાર અને કર્મનો અંત કરનારને પણ સહન કર્યા પછી જ સામગ્રી મળે છે. આજનો દિવસ શુભભાવોને આદિ કરતો અને અશુભભાવોનો અંત કરતો હોય ત્યારે પવિત્ર તીર્થ નગરી પાલીતાણામાં હજારોની સંખ્યામાં આરાધકો આ દિવસે પારણું કરે છે.

પવિત્ર તીર્થ પાલીતાણામાં વર્ષીતપના પારણામાં ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતો પંન્યાસપ્રવર મહારાજ સાહેબ મુની ભગંવતો અને સાધ્વીજી ભગવંતો સહીત ભગવંતોની ઉપસ્થિતી આ વર્ષે 660 થી વધુ વર્ષીતપના પારણાનો ભવ્ય પ્રવેશ ખુબજ આનંદ, ઉમંગ અને આસ્થાપૂર્વક થયો હતો. પ્રથમ જય જ્ય શ્રી આદિનાથ જયઘોષ અને તપસ્વીઓ અમર રહોના જય ઘોષ સાથે શેત્રુંજય ગિરિવરની યાત્રા કરી હતી. શેરડીના રસની પક્ષાલ કરી દાદા આદિનાથને પ્રણામ કર્યા બાદ ચેત્યવંદન અને આદિ વિધિ સાથે થતા પૂર્ણ કરી હતા.

તલેટી ખાતેના પારણા ઘરમાં વર્ષીતપ આરાધકોને તેમના સગા સબંધીઓ દ્વારા ઇક્ષુરસ( શેરડીના રસ)થી પારણા કરાવ્યા હતા. જેમાં 300 થી વધારે સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોએ વર્ષીતપના પારણા કર્યા હતા. આ મહાન કઠીન વર્ષીતપ કરનાર આરાધકોમાં આઠ વર્ષના બાળકથી લઈને 70 વર્ષ સુધીના આરાધકો જોવા મળ્યા હતા. કઠીન તપ કરવા છતાં પણ તપસ્વીઓના શરીર કે ચહેરા પર તેની અસર સુદ્ધા પણ જોવા મળતી ના હતી તે આ તપનું ફળ છે. દરેકના ચહેરા પર બસ એક ભક્તિનો ભાવ જોવા મળ્યો હતો. એક રીતે ભક્તિસાગર હિંડોળે ચડ્યો હોય તેવું સમગ્ર તળેટી વિસ્તારમાં વાતાવરણ જોવા મળ્યું હતું.

આ પારણામાં 40 થી 50 હજાર શ્રાવક અને શ્રાવીકા આ દિવસે દાદા આદીનાથને ભેટવા અને વર્ષીતપના પારણા કરાવવા આવી પહોચ્યા હતા. ત્યારે પાલીતાણા પેઢી દ્વારા તપસ્વીઓ અને તેમને પારણા કરાવવા આવેલા શ્રધ્ધાળુઓને કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે તે પ્રકારનું પેઢી દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. આ ઉપરાંત તંત્ર દ્વારા પણ પાલીતાણા માં આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલીના પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. તેમજ પોલીસ તંત્ર દ્વારા પણ આ દિવસોમાં તળેટી વિસ્તારમાં ખાસ બદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને યાત્રાળુઓના વાહન પાર્કિંગ માટેની પણ સારી એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...