• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • In Three Of The Seven Assemblies, The Triangle Is Contested, While In Beu Balia, Mahuwa, Talaja And Palitana, The BJP Is Facing The Congress.

વિધાનસભા ચૂંટણી:સાત વિધાનસભામાં ત્રણમાં ત્રિકોણ તો ત્રણમાં બેઉ બળિયા, મહુવા, તળાજા અને પાલિતાણામાં ભાજપ કોંગ્રેસ આમને સામને

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્યમાં એક તરફી સૂર છતાં તમામ પક્ષ દ્વારા પાણી બતાવવાની મથામણ
  • પૂર્વ, પશ્ચિમ અને ગારિયાધારમાં ભાજપ,કોંગ્રેસ અને આપ ત્રણેયનું જોર

આગામી વિધાનસભાની ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે તેમ તેમ રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારને જીતાડવા માટે પૂરેપૂરૂ જોર લગાવી રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિ મુજબ ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પૈકી ભાવનગર પૂર્વ, પશ્ચિમ અને ગારીયાધાર બેઠક પર ત્રિપાંખીયો જંગ ચાલી રહ્યો છે. જ્યારે તળાજા, મહુવા અને પાલીતાણા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે. પરંતુ ભાવનગર ગ્રામ્ય બેઠક પર એક તરફી જુવાળ ચાલી રહ્યો છે. છતાં તમામ રાજકીય પક્ષો દ્વારા વધુમાં વધુ લીડ તો જીત માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

ભાવનગર જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો પર રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસારનું કાર્ય પૂર જોશમાં શરૂ છે. ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો પણ પોતાની વ્યૂહ રચનાઓમાં સમયાંતરે ફેરફાર કરી રહ્યા છે. ગત વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજના આંદોલનને કારણે રસાકસી રહેતી હતી પરંતુ તે માત્ર ભાજપ અને કોંગ્રેસ બે પક્ષો વચ્ચે જ જંગ ખેલાતો હતો. જેને કારણે ભાજપને ઘણી બેઠકોની લીડમાં ઘટાડો પણ થયો હતો. તળાજાની બેઠક કોંગ્રેસે 1779 મતથી ભાજપ પાસેથી છીનવી લીધી હતી. જ્યારે ગારીયાધાર બેઠક પર ભાજપના ઉમેદવાર માત્ર 1876 મતથી જ વિજય થયા હતા. ભાવનગર પૂર્વ, પશ્ચિમ, ગ્રામ્ય અને મહુવા વિધાનસભા બેઠક પર પણ ભાજપના ઉમેદવારની 2012 ની વિધાનસભા ચૂંટણી કરતા લીડ ઘટી હતી.

તત્કાલીન સમયે ભાજપને માત્ર કોંગ્રેસ સામે જ ચૂંટણી જંગની લડાઈ હતી. પરંતુ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી સામે પણ લડાઈ છે. ત્રણેય રાજકીય પક્ષો એકબીજા સામે મતદારોને રીઝવવા અને વધુને વધુ લીડ સાથે જીત મેળવવા પ્રયાસો કરી રહ્યા છે. ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠક પૈકી રાજકીય તજજ્ઞોના તારણ મુજબ ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકને બાદ કરતાં અન્ય છ બેઠક પર ત્રિપાખીંયો અથવા તો દ્વિપાંખીયો જંગ ખેલાશે.

રાજકીય પક્ષો અને ઉમેદવારોના વર્તમાન જુવાળ જોતા ભાવનગર પૂર્વ, પશ્ચિમ અને ગારીયાધાર વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે રસાકસી ચાલી રહી છે. જ્ઞાતિના સમીકરણો અને લોક સંપર્ક સાથે ઉમેદવારો ચોગઠા ગોઠવી રહ્યા છે. જ્યારે તળાજા, મહુવા અને પાલીતાણા વિધાનસભા બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જ જંગ જામશે. આ ત્રણે વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર એકબીજાને પરાજિત કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આમ ભાવનગર જિલ્લાની સાત પૈકી છ વિધાનસભા બેઠકો પર મતદારોને પણ પરિણામની રાહ રહેશે.

27 અપક્ષોની અસર, મતનું ધ્રુવિકરણ
ભાવનગર જિલ્લાની વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષો, નોંધાયેલા રાજકીય પક્ષો ઉપરાંત અપેક્ષ ઉમેદવારોએ પણ ઝંપલાવ્યું છે. સાત પૈકી સૌથી વધુ અપક્ષ ઉમેદવારો પણ ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં છે. ત્યારે અપક્ષ ઉમેદવારો કેવી ભૂમિકા ભજવશે અને કોને નુકશાન કરી કોને ફાયદો કરશે તેની પણ પરીણામ તેમજ લીડ પર અસર પર નજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...