ઉકેલ:ટ્રાફિકની જટીલ સમસ્યા થશે ભૂતકાળ, પાર્કિંગ પોલીસ બનાવાઈ

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોર્પોરેશનની જગ્યા પર કે રસ્તા પર ચાર્જ ચુકવ્યા વગર રાખી નહીં શકાય વાહનો, જુદા જુદા દર નક્કી થશે

ભાવનગરની સૌથી સળગતી સમસ્યા ટ્રાફિક અને વાહન પાર્કિંગની છે. કોર્પોરેશન દ્વારા સુવિધા વધારી અને કોમ્પ્લેક્સોમાં પાર્કિંગ કરવા કડકાઈ કરવા છતાં આજ સુધી વાહન પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાનો કોઇ હલ આવ્યો નથી. ત્યારે હવે સુરત મહાનગરપાલિકાના પગલે ભાવનગરમાં પણ કોર્પોરેશન દ્વારા પાર્કિંગ પોલીસી બનાવી છે. જેને આજે સ્ટેન્ડિંગ કમિટીએ સિદ્ધાંતિક મંજૂરી આપી દીધી. અને આગામી દિવસોમાં તેના અમલીકરણ બાદ ભાવનગર શહેરમાં વાહન પાર્કિંગની સમસ્યા ભૂતકાળ બની જશે.

સુરત મહાનગરપાલિકાએ થોડા સમય પૂર્વે જ ગુજરાત રાજ્યમાં સર્વપ્રથમ પાર્કિંગ પોલીસી બનાવી તેને અમલમાં પણ મૂકી છે. જેની સુપ્રીમ કોર્ટે પણ નોંધ લઈ આખા ગુજરાતમાં આ પ્રકારની પાર્કિંગ પોલીસી અમલમાં મૂકવા માટે જણાવાયું છે. જેથી ભાવનગર કોર્પોરેશને સુરતની પાર્કિંગ પોલિસીમાં સ્થાનિક ભૌગોલિક દ્રષ્ટિકોણથી સુધારા સાથે પાર્કિંગ પોલીસી બનાવી છે.

ભાવનગર શહેરમાં આગામી દિવસોમાં અમલમાં આવનાર પાર્કિંગ પોલીસથી શહેરીજનોને અનેક ફાયદા થશે. પાર્કિંગની સુવિધા મળવા સાથે ટ્રાફિકનો પ્રશ્ન પણ હલ થશે. સાથોસાથ પાર્કિંગ પોલિસીને ઇમ્પ્લિમેન્ટ થાય તે રીતે કોર્પોરેશનને પણ આવક થશે. શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં રસ્તા પર રખાતા આડેધડ વાહનો પાર્કિંગ પોલીસીના અમલમાં બાદ રાખી શકાશે નહીં.

લોકોના સુચનો બાદ સરકાર મંજુર કરશે
સુપ્રીમ કોર્ટની ભલામણ અને સરકાર દ્વારા પણ સુચના બાદ ભાવનગર કોર્પોરેશન દ્વારા પાર્કિંગ પોલીસી બનાવવામાં આવી છે જેને સ્ટેન્ડીંગમાં સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. જેને બોર્ડની મંજૂરી બાદ લોકોના સુચનો અને સુધારા બાદ સરકાર મંજુર કરશે. ભાવનગરની જટીલ બનેલી ટ્રાફિક સમસ્યાના હલ માટે પાર્કિંગ પોલીસ આવશ્યક છે. શહેરીજનોને પણ રાહત થશે.> ધીરૂભાઈ ધામેલીયા, ચેરમેન સ્ટેન્ડીંગ કમિટી

પોલીસની જેમ કોર્પો. વાહન ટોઈંગ કરી દંડ ફટકારી શકશે
આડેધડ મુકેલા વાહનોને ટ્રાફિક પોલીસ દ્વારા ટોઈંગ કરી દંડ કરાય છે. પરંતુ પાર્કિંગ પોલીસીના અમલ બાદ કોર્પોરેશન પણ રસ્તા પર રાખેલા અથવા તો કોર્પો.ની જગ્યામાં રખાતા વાહનોને ટોઈંગ કરી તેનો દંડ પણ વસુલ કરી શકશે.

શું રહેશે પાર્કિંગના દર ?

 • ટુવ્હિલર 50 પૈસાથી રૂ.2
 • થ્રી વ્હિલ 5 થી 10 રૂપિયા
 • ફોર વ્હિલ 20 થી 40 રૂપિયા
 • કોમર્શિયલ અને ટ્રક રૂ.60 થી 80

* પ્રતિ 3 કલાકના દર

શું ખાસિયત છે આ પાર્કિંગ પોલિસીની ?

 • ઓન સ્ટ્રીટ અને ઓફ સ્ટ્રીટ પાર્કિંગ માટેની સુવિધા માટે નિયત દર.
 • વાહનમાલિકો આવાસ કે કામકાજના સ્થળે વાર્ષિક કે અર્ધવાર્ષિક દર ચૂકવીને પાર્કિંગ અને વપરાશની રજા ચિઠ્ઠી મેળવી શકે છે.
 • દિવ્યાંગો,આધુનિક વાહનો અને સાઇકલ નિઃશુલ્ક પાર્ક થઈ શકશે.
 • નો પાર્કિંગ ઝોન અને અલગ પાર્કિંગ પ્લાન તૈયાર કરવામાં આવશે.
 • વાહનચાલકો પાર્કિંગ ફી કે ઇલેક્ટ્રિક ચલણ મોબાઈલથી ચૂકવી શકશે.
 • શાળા,કચેરી કે ખુલ્લી જગ્યા પર શેરિંગના ધોરણે પાર્કિંગને પ્રોત્સાહન
 • કરવા કોર્પોરેશન દ્વારા અલગ વિભાગ જ ઉભો કરાશે.
અન્ય સમાચારો પણ છે...