એજ્યુકેશન:પ્રવેશમાં છેલ્લા 2 દિવસ, સાયન્સ કોલેજોમાં 60 % બેઠકો ખાલી રહેશે

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 જૂન સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે
  • એમકેબી યુનિ.માં કુલ 11 સાયન્સ કોલેજોમાં ઉપલબ્ધ 3750 બેઠકો પૈકી 1431 ફોર્મ મળ્યા

ધો.12 સાયન્સના પરિણામ જાહેર થયા બાદ ગત તા.26 મેથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં આવેલી 11 સાયન્સ કોલેજોમાં બીએસસી સ્નાતક કક્ષાના કોર્સમાં પ્રવેશ માટેની કાર્યવાહીનો આરંભ થયો છે જે અંતર્ગત ઓનલાઇન ફોર્મ ભરવામાં આવી રહયાં છે. આ ફોર્મ તા.4 જૂન સુધી ભરવાના છે ત્યારે આજ સુધીમાં 11 કોલેજોમાં પ્રવેશ માટે કુલ 1431 ફોર્મ ભરાયા છે. હવે પ્રવેશ માટે ફોર્મ ભરવામાં બે દિવસ બાકી રહ્યાં છે ત્યારે આ વર્ષ યુનિ. સંલગ્ન સાયન્સ કોલેજોમાં સરેરાશ 60 ટકા જેટલી બેઠકો ખાલી રહી જશે તેવો અંદાજ છે. માત્ર સર પી.પી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ જે યુનિ. સંચાલિત કોલેજ છે તેમાં સારો ધસારો જોવા મળ્યો છે. બાકીની ખાનગી કોલેજોમાં બેઠકો ખાલી રહી જશે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં આવેલી 11 સાયન્સ કોલેજોમાં બીએસસી સ્નાતક કક્ષાના કોર્સમાં પ્રવેશ માટેની કાર્યવાહીનો આરંભ થઇ ગયો છે. આ માટે આંકડાકીય માહિતી જોઇએ તો યુનિ. સંચાલિત અને સંલગ્ન 11 કોલેજોમાં કુલ 3750 બેઠકો છે અને તેમાં આજ સુધીમાં પ્રવેશ માટે કુલ 1431 ફોર્મ ઓનલાઇન ભરાયા છે. આથી કુલ બેઠક ક્ષમતાના 38.16 ટકા બેઠકો માટે ફોર્મ ભરાયા છે અને હાલની સ્થિતિએ 61.84 ટકા એટલે કે લગભગ 62 ટકા બેઠકો ખાલી રહે તેવી સ્થિતિ સર્જાઇ છે. જો કે ફોર્મ ભરવા માટે હજી બે દિવસ બાકી છેુ અને તા.4 જૂનના સાંજના 6 વાગ્યા સુધી ઓનલાઇન ફોર્મ ભરવાના છે. ત્યારે આ વર્ષે સાયન્સ કોલેજોમાં એવરેજ 60 ટકાથી વધુ બેઠકો ખાલી રહી જશે તેવી સ્થિતિ છે.

ખાસ કરીને ત્રણ કોલેજ જે ગ્રાન્ટેડ-સરકારી કોલેજ છે જેમાં સર પી.પી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ(ભાવનગર), પારેખ કોલેજ(મહુવા) તથા ગારિયાધારમાં સરકારી સાયન્સ કોલેજમાં ફીનું ધોરણ ઓછું હોય છે. આથી આ કોલેજ તરફ પ્રવેશ માટે ધસારો વધુ હોય છે.

70 ટકા છાત્રો કરે છે GPSCની તૈયારી
હાલના વિદ્યાર્થીઓની માનસિકતા જોઇએ તો સાયન્સમાં સ્નાતક કક્ષાએ એડમિશન લઇએ છે અને ત્યાર બાદ ગ્રેજ્યુએટ થવાની સાથે જીપીએસસી અને યુપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાનો ટ્રેન્ડ વધુ જોવા મળે છે. વિદ્યાર્થી 3 વર્ષમાં સ્નાતકની ડિગ્રી મેળવી લે અને સાથે આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ પૂર્ણ કરી પરીક્ષાઓ આપે છે તેવો લક્ષ્યાંક હાલના 70 ટકા વિદ્યાર્થીઓમાં જોવા મળે છે જે અગાઉ ન હતો.> ડો.એમ.એમ.ત્રિવેદી, કાર્યકારી કુલપતિ, એમકેબી યુનિ.

ગત વર્ષે 2172 બેઠકો ખાલી રહી ગયેલી
સાયન્સ કોલેજોમાં જગ્યા ખાલી રહેવાનું મુખ્ય એક કારણ ધો.12 સાયન્સ પાસ કર્યા બાદ મોટા ભાગના વિદ્યાર્થીઓ ઇજનેરી, ફાર્મસી અને તબીબી વિદ્યાશાખામાં જતા હોય છે. આથી ગત વર્ષે સાયન્સ કોલેજમાં 3770 પૈકી 1578 જ બેઠકો ભરાઇ હતી જેથી 2172 જગ્યા ખાલી રહી ગઇ હતી.

પાસ વિદ્યાર્થીઓની સંખ્યામાં 1301નો ઘટાડો
ધો.12 સાયન્સમાં પરિણામમાં ભાવનગર જિલ્લામાં આ વર્ષે 3576 વિદ્યાર્થીઓ પાસ થઇ ગયા હોય ચોક્કસ કોલેજોમાં સંખ્યા ઘટશે કારણ કે ગત વર્ષે કોરોનાની સ્થિતિમાં માસ પ્રમોશન અપાયું હોય ભાવનગરમાં પાસ થનારાની સંખ્યા 4877 હતી. આથી આ વર્ષે પાસ થનારાની સંખ્યામાં 1301 વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે. આથી સાયન્સ કોલેજોમાં કોઇ વિદ્યાર્થીને પ્રવેશ ન મળે તેવું નહીં થાય તે ચોક્કસ છે.

BCA-IT સાથે ગણો તો કુલ 50-50 બેઠકો
એમકેબી યુનિ.માં બી.એસસી., બીસીએ અને બીએસસી (આઇટી) મળીને કોલેજોમાં કુલ 5050 જેટલી જગ્યાઓ છે. જેમાં 11 સાયન્સ કોલેજમાં ગત વર્ષે પ્રથમ વર્ષ બીએસસીમાં 1578 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...