સાધારણ સભા:ભાવનગર જિલ્લા પંચાયતની સાધારણ સભામાં રૂ. 18 કરોડના ટાઇડ, અનટાઇડ કામો મંજૂરી માટે મોકલાયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેઠકમાં પ્રશ્નોત્તરી ન હોવાથી કોઇ ખાસ ચર્ચા-વિચારણા ન થઇ

ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભાની ખાસ બેઠક આજે સોમવારના રોજ જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં વિકાસના કામોનુ આયોજન મંજૂર કરવુ સહિતના જુદા જુદા ઠરાવને બહાલી આપવામાં આવી હતી. આ બેઠકમાં પ્રશ્નોત્તરી ન હોવાથી કોઇ ખાસ ચર્ચા-વિચારણા થઇ ન હતી. રજૂ થયેલા ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. આજે મળેલી બેઠક ફક્ત 15-20 મિનીટમાં પૂર્ણ થઇ હતી અને આ બેઠક રૂટીન બની રહી હતી. વિપક્ષે પણ કોઇ ખાસ સવાલો ઉઠાવ્યા ન હતાં.

જિલ્લા પંચાયત કચેરીના સભાખંડ ખાતે આજે મળેલી સામાન્ય સભાની ખાસ બેઠકમાં ગત મળેલી સામાન્ય સભા બેઠકની કાર્યવાહી નોંધને ધ્યાને લઇ બહાલી આપવામાં આવી હતી તેમજ ગત મળેલી બેઠકના ઠરાવો અને લીધેલ નિર્ણયની અમલવારી નોંધને ધ્યાને લઈ બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત આ અગાઉ મળેલ જુદી-જુદી સમિતીઓની મળેલ બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી.

આ મળેલી સભામાં ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ જિલ્લા પંચાયતને મળતી સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટમાંથી વિકાસના કામોનું વર્ષ-2021-22 નું આયોજન મંજુર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 15માં નાણાપંચ યોજનાનું વર્ષ 2020-21 તથા વર્ષ 2021-22ની ટાઇડ અને અનટાઇડ ગ્રાંટનું જિલ્લા આયોજન સમિતી દ્વારા રજુ થયેલા જિલ્લા વિકાસ પ્લાન મંજુર કરવામાં આવ્યા હતાં.

ખાસ કરીને વર્ષ 2020-21 તથા 2021-22ના જિલ્લા કક્ષાની હેડ-વાઇઝ (10 ટકા) ટાઇડ ગ્રાન્ટ રૂા.9.76 કરોડ અને વર્ષ 2020-21 તથા 2021-22 જિલ્લા કક્ષાના હેડ-વાઇઝ (10 ટકા) અનટાઇડ ગ્રાન્ટ રૂા.8.24 કરોડ સહિત કુલ.18 કરોડના ટાઇડ અને અનટાઇડ વિકાસના કામોની દરખાસ્ત સરકારમાં મંજુરી અર્થે આજે મળેલી સામાન્ય સભામાં મોકલવામાં આવી હતી. આજે મળેલી સભામાં રદ્દ થયેલા ઠરાવોને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતાં.

આ મળેલી સામાન્ય સભામાં પ્રમુખ ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, 15માં નાણાં પંચની ગ્રાન્ટમાં જિલ્લાના આરોગ્ય, સિંચાઇ, ખેતીવાડી, બાંધકામ, શિક્ષણ સહિતના તમામ વિકાસના કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તેમજ ચૂંટાયેલા તમામ સભ્યોને ન્યાય મળે, તેમના વિસ્તારમાં વિકાસના કામો થાય તેવી પણ ખાતરી પ્રમુખે આપી હતી. જે કોઇ સભ્યના વિસ્તારમાં કામો બાકી હશે તે કામો પણ તાકીદે પૂર્ણ કરવા સભ્યને હૈયાધારણા આપી હતી.

તેમજ તમામ તાલુકાઓમાં આરોગ્યલક્ષી સેવાઓ, શાળાઓ, રોડ-રસ્તા, પાણીની સુવિધાઓના તાકિદે કામો કરાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. આ સભામાં જે વિકાસના કામો થવાના છે તે તમામ તાલુકાઓના વિસ્તારો અને થનાર કામોની અને થયેલી દરખાસ્તો પણ રજૂ કરવામાં આવી હતી. આ મળેલી સભામાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ શિહોરા, કારોબારી સમિતિના ચેરમેન પ્રવિણભાઇ વાળા, વિપક્ષ નેતા પ્રહલાદસિંહ ગોહિલ જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જીલોવા સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ તેમજ ચૂંટાયેલા સદસ્યો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...