પરિણામનું વિશ્લેષણ:બેઝિક ગણિતમાં અંતિમ તબક્કામાં છાત્રો ગંભીરતા ભુલતા નાપાસ વધ્યા

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓવરકોન્ફિડન્સ નડ્યો -ગુજરાતી માધ્યમમાં પરિણામ 5.59 ટકા વધ્યું, અંગ્રેજી માધ્યમમાં 5.25 ટકા ઘટ્યું
  • ગુજરાતમાં ધો.10માં બેઝિક ગણિતમાં 2.01 લાખ અને વિજ્ઞાનમાં 2.18 લાખ વિદ્યાર્થીઓ નાપાસ

ધો.10માં એક સારા સમાચાર એ છે કે ગુજરાતી માધ્યમમાં 2020ની તુલનામાં આ વર્ષે પરિણામમાં 5.59 ટકા વધ્યું છે જ્યારે અંગ્રેજી માધ્યમમાં પરિણામ 5.25 ટકા ઘટ્યું છે. 2020માં ધો.10માં ગુજરાતી માધ્યમનું પરિણામ 57.54 ટકા હતુ તે આ વર્ષે વધીને 63.13 ટકા થયું છે જ્યારે અંગ્રેજી માધ્યમનું 2020માં પરિણામ 86.75 ટકા હતુ તે આ વર્ષે ઘટીને 81.50 ટકા થઇ ગયું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધો.10નું પરિણામ જાહેર કરાયું જેમાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી ઓછું પરિણામ ગણિત-બેઝિકનું માત્ર 69.53 ટકા આવ્યું છે. જ્યારે સૌથી વધુ 2,18,596 વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં નાપાસ થયા છે. ગણિત બેઝિકમાં નાપાસ થનારાની સંખ્યા 2,01,548 છે. આ પરિણામ અંગે શિક્ષણવિદોનું માનવું છે કે ખાસ કરીને ગણિત બેઝિક સરળ પુછાશે તેવી માન્યતા પ્રસરી વળી હોય પ્રમાણમાં મધ્યમ કક્ષાની અભ્યાસ કરવાવાળાએ પરીક્ષાના અંતિમ તબક્કામાં મહેનત કરવી જોઇએ તે ન કરતા વધુ પ્રમાણમાં વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. બાકી મહેનત કરી છે તેને ટકા આવ્યા જ છે. એકલા ભાવનગર જિલ્લામાં જ 814 વિદ્યાર્થીઓને 91 ટકાથી વધુ ટકાવારી આવી છે જે એક વિક્રમ છે.

આ વર્ષે જ્યારે ગણિતની બે વિભાગમાં અલગ અલગ પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરાઇ ત્યારે બાદ આ વિષયની ગંભીરતા ખાસ કરીને જેણે ગણિત બેઝિક રાખ્યું હતુ તેનામાં ઓછી થઇ ગઇ હતી. આથી પરીક્ષાના અંતિમ બે -ત્રણ માસમાં જે મહેનત કરવી જોઇએ તે કરી નહી. આથી આ વિષયમાં નાપાસનું પ્રમાણ સૌથી વધુ રહ્યું છે. સાથમાં વિજ્ઞાનમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. સાથે વિજ્ઞાનમાં રાજ્યમાં કુલ 772753 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી તે પૈકી 554157 વિદ્યાર્થીઓ જ પાસ થયા આથી 2,18,596 વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં નાપાસ થયા તે પણ દર્શાવે છે કે ગણિત સાથે વિજ્ઞાન પણ કાચુ પડી રહ્યું છે.

ગુજરાતમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં નાપાસ થાય છે અને નબળા વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં સર્વાધિક હોય તેનું પરિણામ ઓછું આવે તે સ્વાભાવિક છે. જ્યારે તેજસ્વી વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમમાં હોય તેનું પરિણામ વધુ આવે છે. જેમ કે ગુજરાતી માધ્યમનું પરિણામ 63.13 ટકા જ આવ્યું છે જ્યારે અંગ્રેજી માધ્યમનું પરિણામ તમામ માધ્યમમાં 81.50 ટકા રહ્યું છે. ગુજરાતી માધ્યમમાં 2,45,000 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે જ્યારે અંગેજી માધ્યમમાં 16,099 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

પૂરતી મહેનત ન કરતા પરચો મળી ગયો
ધો.10માં ગણિત અને વિજ્ઞાન બન્ને વિષયમાં વિદ્યાર્થીઓએ ખાસ કરીને મધ્યમ કક્ષાના વિદ્યાર્થીઓએ અંતિમ તબક્કામાં પૂરતી મહેનત ન કરતા નાપાસ થયા છે. જ્યારથી બેઝિક ગણિત તો પરીક્ષામાં પેપરમાં સાવ સરળ પૂછાશે તેવી વાતો વહેતી થઇ ત્યારથી મધ્યમ કક્ષાના વિદ્યાર્થીઓએ મહેનત કરવાનું છોડી દીધું અને તેનો પરચો પરિણામમાં મળી ગયો. > મનહરભાઇ રાઠોડ, શિક્ષણવિદ

કુમારો ફર્સ્ટ ક્લાસે પણ ન પહોંચ્યા
ધો.10માં રેગ્યુલર વિદ્યાર્થીઓના પરિણામમાં આ વખતે પણ કુમારો કરતા કન્યાઓનું પરિણામ વધુ આવ્યું છે. કુલ 4,26,162 કુમારોએ પરીક્ષા આપી તેમાં 2,55,350 કુમારો પાસ થયા તેથી કુમારોનું પરિણામ 59.92 ટકા જ રહ્યું છે જ્યારે કુલ 346603 કન્યાઓએ પરીક્ષા આપી અને તે પૈકી 2,48,376 કન્યાઓ પાસ થતા કન્યાઓનું સરેરાશ પરિણામ 71.66 ટકા આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...