વિધાનસભાની આગામી ચૂંટણીમાં આ વખતે રાજકીય પક્ષો વચ્ચે પણ ખરાખરીનો ખેલ જામશે. સામાન્યતઃ ત્રણથી ચાર રાજકીય પક્ષો ચૂંટણીમાં ઝંપલાવતા હોય છે પરંતુ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોનો પણ ઝમેલો જામ્યો છે. ભાવનગર પશ્ચિમમાં જ સાત જેટલા નાના મોટા રાજકીય પક્ષો ઉપરાંત 15 અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જોકે, આવતીકાલ તા.17 ના રોજ ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.
ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પૈકી સૌથી વધુ ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારોએ નામાંકન પત્રો ભર્યા છે. તદુપરાંત આ બેઠક પર સૌથી વધુ રાજકીય પક્ષોના ઉમેદવારો મતદારોને અજમાવવા ઉતર્યા છે. પશ્ચિમ બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સીપીએમ, બસપા, વીપીપી, રાષ્ટ્રીય હિન્દ એકતા દળના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.
જ્યારે પૂર્વ વિધાનસભા બેઠક પર પણ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સીપીએમ, બસપા, વીપીપી, રાઇટ ટુ રિકોલ અને અપક્ષના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. વર્ષ 2012 બાદ આ વખતે વર્ષ 2022 માં ભાવનગર પૂર્વ અને પશ્ચિમ બેઠક પરથી સીપીએમ દ્વારા ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.
આપના હમીર રાઠોડ સામે ડોક્યુમેન્ટ દુરૂપયોગનો કેસ, જીતુ વાઘાણી સામેના ચેક રીટર્ન કેસો એક વર્ષ પૂર્વે પાછા ખેંચાયા, કોંગ્રેસના ઉમેદવારો સામે પણ ફોજદારી કેસો
રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી જંગમાં ઉતારેલા ઉમેદવારો પૈકી અમુક ઉમેદવારો સામે ફોજદારી ફરિયાદો પણ થઈ હતી. કોંગ્રેસના કે,કે.ગોહિલ અને દિવ્યેશ ચાવડા વિરુદ્ધ ધાકધમકી, જમીન ખાલી કરાવવા જાનથી મારી નાખવાની અને સરકારી કર્મચારીને ફરજમાં રૂકાવટની ફરિયાદ થઈ હતી. ભાજપના પરસોતમભાઈ સોલંકી અને જીતુ વાઘાણી સામે છેતરપિંડી, ભ્રષ્ટાચાર પ્રતિબંધિત ધારાની કલમ અને ચેક રિટર્ન સંદર્ભે ફરિયાદ થઈ હતી.
જોકે, જીતુ વાઘાણી પર મુંબઈ કોર્ટમાં ચેક રિટર્ન થવાના ચાર કેસમાં કેસ કરનાર પાર્ટીએ તમામ કેસ પરત ખેંચતા એક વર્ષ પૂર્વે 2021માં જજમેન્ટ આવતા કેસ ડિસ્પોઝલ થયેલ છે. જે બાબતે ચૂંટણી અધિકારી સમક્ષ પણ જજમેન્ટ રજૂ કર્યું હતું. જ્યારે આમ આદમી પાર્ટીના હમીર રાઠોડ પર બોલાચાલી, અકસ્માત અને ડોક્યુમેન્ટના દુરુપયોગ સહિતના કેસો થયેલા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.