લોકોને હાડમારી:પૂર્વની ઝોનલમાં મેયર, ડે.કમિ. સવારે પહોંચ્યા, 5 કર્મીઓ જ હાજર, 16 મોડા

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનિયમિતતા અને બેદરકારીને કારણે લોકોને હાડમારી
  • અન્યને સાવચેત ન કરે તે માટે હાજર કર્મચારીઓને રૂમમાં જ બોલાવી લીધા, લેટ લતીફનો અડધા દિ’નો પગાર કાપ્યો

ભાવનગર કોર્પોરેશનમાં કર્મચારીઓની બેદરકારી અને નિષ્ક્રિયતાને કારણે પ્રજાજનો ભારે હેરાનગતિ ભોગવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે ત્યારે આજે મેયર, નાયબ કમિશનર સહિતનાએ પૂર્વની ઝોનલ કચેરીમાં સવારે 10:30 કલાકે જઈ ડેરા તંબુ તાણી લીધા હતાં. જેથી 16 જેટલા કર્મચારીઓ મોડા આવતા ઝપટે ચડી ગયાં હતાં. કોર્પોરેશનની મુખ્ય અને ઝોનલ કચેરીમાં કર્મચારીઓની અનિયમિતતા અને ઉડાઉ જવાબને કારણે પ્રજાના પ્રશ્નો તો ઉકેલાતા નથી પરંતુ પ્રશ્નો ટલ્લે ચડાવવાની સાથે લોકોને પણ ધક્કા ખાવા પડે છે.

જે સંદર્ભની વારંવાર પદાધિકારીઓ પાસે પણ ફરિયાદો આવતી રહે છે. થોડા સમય પહેલા મેયર ડેપ્યુટી કમિશનર સહિતનાએ પશ્ચિમ વિભાગની ઝોનલ કચેરી આકસ્મિક ચેકિંગ કર્યું હતું અને અનેક કર્મચારીઓ ઝપટે ચડી ગયા હતા ત્યારે આજે સવારે 10:30 કલાકે કોર્પોરેશનની પૂર્વ વિભાગની તરસમીયા ખાતેની ઝોનલ કચેરીએ મેયર કીર્તિબેન દાણીધારીયા, ડે.કમિશનર ગોહિલ સહિતના પહોંચી ગયા હતા. પરંતુ ઝોનલ કચેરીએ માત્ર પાંચ કર્મચારીઓ જ સમયસર હાજર હતા.

જે તમામને અન્ય કર્મચારીઓને ફોન દ્વારા સાવચેત ન કરે તે માટે કચેરીમાં રૂમમાં બોલાવી લીધા હતા. તદુપરાંત ફિલ્ડમાં રહેલા કર્મચારીઓને લોકેશન મોકલી ઓનલાઇન 10:30 કલાકની હાજરી પુરાવી હતી. તેમ છતાં 16 જેટલા કર્મચારીઓ મોડા આવ્યા હતા. જે તમામનો સજારૂપ અડધા દિવસનો પગાર કાપી નાખવામાં આવ્યો હતો. પૂર્વ અને પશ્ચિમ ઝોનલ કચેરીમાં મેયર અને ડેપ્યુટી મેયૈ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું તેવી જ રીતે મુખ્ય કચેરીમાં પણ લેટ લતીફ અને બેદરકાર કર્મચારીઓને સીધાદોર કરવા આવશ્યક છે.

અન્ય સમાચારો પણ છે...