આજીવન કેદ:ભાવનગરના માલણકામાં અઢી વર્ષ પૂર્વે આધેડની થયેલી હત્યાનો મામલો, કોર્ટે બે સગભાઈઓને સજા ફટકારી

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અઢી વર્ષ પૂર્વે ભાવનગર નજીકના માલણકા ગામે હાથ ઉછીના આપેલા નાણાની ઉઘરાણી કરતા બે ભાઇઓએ છરીઓના ઘા ઝીંકી આધેડની કરેલી હત્યાનો કેસ ભાવનગર ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા બંન્ને શખ્સોને હત્યાના ગુનામાં કસુરવાર ઠેરવી ડિસ્ટ્રીક્ટ જજ પીરઝાદાએ આજીવન કેદની સજા ફટકારી હતી.

જીવલેણ ઘા મારી ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવ્યુ હતું
આ બનાવ અંગે જાણવા મળેલ વિગતો મુજબ આ કામના ફરિયાદી હિતેશભાઈ રમેશભાઇ બારૈયાના પિતા મરણજનાર રમેશભાઇ મનજીભાઇ બારૈયાએ આશરે બે વર્ષ પહેલા આ કામના આરોપીના પિતા ગીગાભાઇ ગફાભાઇને રૂા.50 હજાર હાથ ઉછીના રોકડા વાપરવા આપેલ જે રૂપિયાની ફરિયાદીના મરણજનાર પિતાજી અવાર નવાર ઉઘરાણી કરતા હોય જે આ કામના આરોપીઓને સારૂ ન લાગતા જેની દાઝ રાખી એક સંપ કરી બંન્ને આરોપીઓ ગત તા.29/5/2020 ના રોજ માલણકા ગામે પોતાની પાસે તીક્ષ્ણ છરી રાખી આરોપીઓએ પોતાની પાસેની છરીઓ વતી ફરીયાદીના પિતાજીને માથાના ભાગે તથા છાતીના ભાગે તથા બંન્ને હાથના બાવડા ઉપર તથા વાંસાના ભાગે મરણોતલ જીવલેણ ઘા મારી ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી ગુન્હો કરવામાં એકબીજાને મદદગારી કરી હતી.

આ બનાવ અંગે મરણજનારના પુત્ર હિતેશભાઇ રમેશભાઇ બારૈયા એ જે તે સમયે વરતેજ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ નિલેષભાઇ ગીગાભાઇ બારૈયા ઉ.વ.26, રહે. માલણકા ગામે ઘનશ્યામપરા તગડી રોડ, તા.જી.ભાવનગર તથા તેના સગાભાઇ નિતેશભાઇ ગીગાભાઇ બારૈયા ઉ.વ.24, રહે. માલણકા ગામેની સામે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ઇપીકો કલમ 302,114 તેમજ જી.પી.એક્ટ 135 મુજબનો ગુનો બંન્ને આરોપીઓ સામે નોંધીયો હતો.

બંનેને સજા અને દંડ ફટકાર્યો
આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એલ.એસ.પીરઝાદાની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ ધ્રુવભાઇ મહેતાની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ગ્રાહ્ય રાખી આરોપીઓ નિલેષભાઇ બારૈયા તથા નિતેશભાઇ બારૈયા સામે ઇ.પી.કો. કલમ 302 સહિતની ગુનો સાબિત માની બંન્ને આરોપીઓને કસુરવાન ઠરાવી બંન્ને ને આજીવન કેદની સજા તથા રોકડા રૂા.10 હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...