માવઠાની અસર:ઉનાળામાં 5 દિવસમાં તાપમાન 4.5 ડિગ્રી ઘટ્યું !;  આજે અને 21મી માર્ચે ભાવનગરમાં કમોસમી વરસાદની આગાહી

ભાવનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં શુક્રવારે મોડી રાત્રે કડાકા ભડાકા સાથે બે સ્થળોએ વીજળી પડી

ભાવનગર શહેરમાં આજે સાંજના સમયે માવઠાનો માહોલ રચાયો હતો. સાથે ઝડપી પવન ફૂંકાયો હતો. જો કે રાત સુધી કમોસમી વરસાદ ન વરસતા નગરજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. દરમિયાનમાં ગઇ કાલ શુક્રવારે મોડી રાત 12 વાગ્યા બાદ ગાજવીજ સાથે કમોસમી વરસાદ શહેરના મુખ્ય વિસ્તારોમાં ત્રાટકતા બે સ્થળો કૃષ્ણનગરના દેરી રોડ અને આનંદનગર ખાતે વીજળી પડી હતી. આનંદનગરમાં વીજળી વેરણ થવાથી બે પશુઓ મોત થયાનું જાણવા મળ્યું છે. ચાર દિવસ માવઠાના માહોલથી બપોરનું તાપમાન પાંચ દિવસમાં 35.8 ડિગ્રીમાંથી ઘટીને 31.3 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કે 4.5 ડિગ્રી ઘટી ગયું છે.

ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન ઘટીને 31.3 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ જે ગઇ કાલના મહત્તમ તાપમાન 32.5 ડિગ્રીની તુલનામાં 1.2 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટ્યું હતુ. શહેરમાં ગઇ કાલની જેમ આજે પણ લઘુત્તમ ઉષ્ણતામાન 21 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે 46 ટકા હતુ તે આજે વધીને 47 ટકા નોંધાયું હતુ. પવનની ઝડપ સાંજે ગઇ કાલની જેમ આજે પણ 14 કિલોમીટર નોંધાઇ હતી. હવે આવતી કાલ તા.19 માર્ચને રવિવારે તેમજ તા.21 માર્ચને મંગળવાર, બે દિવસ ભાવનગર જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

પ્રવર્તમાન પરિસ્થિતિ અનુસાર વિષમ વાતાવરણ માં અચાનક પલ્ટો આવવાથી અનેક સ્થળોએ વીજળી પડવાના બનાવો બન્યા છે જેમાં ઘર ઉપર પડવાથી ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન થવાની સંભાવનાઓ રહેતી હોય છે. આથી આવી પરિસ્થિતિ માં જ્યારે કમોસમી માવઠું થાય , ત્યારે ઘરના ઇલેક્ટ્રિક સાધનો ખાસ બંધ રાખવા. ટેરેસ માં કે જાહેર રસ્તાઓ પર જવાનું ટાળવું. તેમજ સોલાર પેનલોને નુકશાન ન થાય તે તકેદારી રાખવી જરૂરી છે.દરમિયાનમાં આજે ભાવનગર જિલ્લામાં વલભીપુર, સિહોર, તળાજા, ઉમરાળા, ધોળા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પવન સાથે વરસ્યો હતો. આમ છેલ્લા ચાર દિવસથી ગોહિલવાડ પંથકમાં ગાજવીજ સાથે માવઠુ વરસી રહ્યું છે.

વરસાદની આગાહીના પગલે યાર્ડ બે દિવસ બંધ
હવામાન ખાતા દ્વારા આગામી તારીખ 19 અને 20 દરમિયાન વાતાવરણમાં પલટો અને વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે સાવચેતીના ભાગરૂપે તારીખ 19 ને રવિવાર અને 20ને સોમવારના રોજ ભાવનગર માર્કેટ યાર્ડમાં તમામ પ્રકારની જણસીની હરાજીનું કામ સદંતર બંધ રહેશે તેમ સેક્રેટરી દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...