ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સાતપડા ગામે પિતાએ પોતાના દિકરાની હત્યા કરી, લાશને સળગાવી નદીમાં ફેંકી દીધી હતી. ગારીયાધારના સાતપડા ગામમાં સ્મશાન પાસેનાં નાળામાંથી બળેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો.
ભાવનગરના ગારીયાધાર પાસેના સાતપડા ગામે રહેતા ગભરૂ રામભાઈ ગરાન નામના પિતાએ પોતાના 21 વર્ષીય પુત્ર હિરેન ગભરૂભાઇ ગરાનની હત્યા કરીને પુત્રની લાશને સળગાવી દઇ નદીમાં ફેંકી દીધી હતી. આજે સવારે આ લાશ નદીમાં તરતી જોવા મળી અને ગારીયાધાર પી.એસ.આઇ. વી.વી.ધગ્રુ સહિતનો પોલીસ કાફલો ત્યાં તપાસ અર્થે પહોંચ્યો અને કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
આ મામલે ગારીયાધાર પીએસઆઇ વી.વી.ધગ્રુએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કેસ પિતાએ પુત્રની હત્યા કરી લાશને સળગાવી નાળામાં ફેંકી દીધી હતી. મૃતકના પિતા ગભરૂ રામભાઈ ગરાન સામે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ગારીયાધાર પોલીસ મથકમાં એફઆઇઆર દાખલ થઇ છે. પિતાએ પુત્રની હત્યા કરી લાશને સળગાવી નાળામાં ફેંકી દેવામાં હોવાની વાત પ્રસરતા સાતપડા ગામ અને ગારીયાધાર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પિતાએ પુત્રની હત્યા શા માટે કરી તે આરોપી ઝડપાયા બાદ બહાર આવશે.
પુત્રની માનસિક બિમારીની દવા ચાલતી હતી
ગારિયાધારના સાતપડા ગામે પિતા-પુત્રનું પારિવારિક બેકગ્રાઉન્ડ ડિસ્ટર્બ હોવાનું જાણવા મળ્યું છે. તેના પિતાએ માતાના નિધન બાદ બીજા લગ્ન કરેલા હતા અને બીજી પત્નિ પણ રિસામણે હતી. મોટોભાઈ તેના પરિવાર સાથે સુરત રહેતો હતો. જ્યારે હિરેને ભાવનગરની વળિયા કોલેજમાં ગ્રેજ્યુએશન તથા આઈટીઆઈનો અભ્યાસ કરેલો છે અને હાલ તે ઘરે રહી પશુપાલન કરતો હતો. મૃતક હિરેનની માનસિક બિમારીની દવા પણ ચાલતી હતી અને અવારનવાર ગામમાં જાહેરમાં અપશબ્દો બોલી તોફાન કરતો હતો અને તેના લીધે પિતા-પુત્રને ઝઘડોઓ થતાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.