MKB યુનિવર્સિટીના બાહ્ય અભ્યાસક્રમ વિભાગ દ્વારા આગામી તારીખ પહેલી ઓગસ્ટથી બીજા તબક્કાની એક્સટર્નલની પરીક્ષા લેવામાં આવશે. જેમાં શહેર અને તાલુકાના કુલ મળીને 11 પરીક્ષા કેન્દ્રોમાં રોજ બે તબક્કામાં 9249 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ વખતે બીજા તબક્કામાં શહેર ઉપરાંત તાલુકા કક્ષાએ પણ પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવ્યા છે.
ભાવનગર શહેરમાં ત્રણ સેન્ટરોમાં 5,365 તથા તાલુકાના આઠ સેન્ટરમાં 3,884 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. સવારે પ્રથમ તબક્કામાં 8થી 10.30 દરમિયાન 3517 અને બપોરે 3થી 5.30 દરમિયાન બીજા તબક્કામાં 5732 વિદ્યાર્થી પરીક્ષામાં નોંધાયા છે. યુનિ.ના એક્સ્ટર્નલ વિભાગ દ્વારા પરીક્ષાના પ્રથમ તબક્કામાં માત્ર શહેર કક્ષાએ જ પરીક્ષાના કેન્દ્ર રાખવામાં આવતા તાલુકા કક્ષાના વિદ્યાર્થીઓને થોડી હાડમારીનો સામનો કરવો પડ્યો હતો.
જોકે આ પ્રશ્ન અંગે ઉમેદવારો સાથે વિદ્યાર્થી આગેવાનોએ રહીને રજૂઆત કરવામાં આવી હતી. જેથી હવે શરૂ થનારા બીજા તબક્કામાં ભાવનગર શહેરના ત્રણ સેન્ટર ઉપરાંત તાલુકા મથકમાં પણ પરીક્ષા લેવામાં આવશે તેમ જણાવાયુ છે. આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓના બેઠક નંબર અને પરીક્ષા કેન્દ્રની વિગતો યુનિવર્સિટીની વેબસાઈટ www.mkbhavuni.edu.in પર જોવા મળશે. પહેલી ઓગસ્ટથી શરૂ થનારી પરીક્ષામાં ભાવનગર શહેરમાં યુનિવર્સિટી કેમ્પસમાં એક્સટર્નલ ડિપાર્ટમેન્ટ શામળદાસ આર્ટસ કોલેજ તેમજ એમ જે કોલેજ ઓફ કોમર્સ ખાતે સેન્ટરની ફાળવણી કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.