ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પૈકી ભાવનગર પશ્ચિમ બેઠક ચૂંટણીમાં ભારે રસપ્રદ અને ચર્ચાસ્પદ રહી હતી. પશ્ચિમ બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયા જંગ ચૂંટણી પહેલા જામ્યો હતો. પરંતુ મતદારોનો અકળ ઝોક મતગણતરી સમયે ઈવીએમમાંથી બહાર નીકળતા ભાજપમાં એક તરફી રહ્યો હતો. પરંતુ વરતેજ, મિલેટ્રી સોસાયટી સહિતમાં ભાજપ સામેની ક્ષત્રિય સમાજની નારાજગી પણ દેખાઈ હતી.
ભાવનગર પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારના જુદા જુદા વિસ્તારોમાં મતદાનના આંકડા પરથી મતદારોનો મિજાજ જોવા મળ્યો હતો. જેમાં ખાસ કરીને મહાનગરપાલિકા વિસ્તારમાં નવા ભળેલા નારી અને વરતેજમાં મતદાનના આંકડામાં જોઈએ તો નારી વિસ્તારના મતદારો વધુ ભાજપ તરફી રહ્યા હતા. ભાજપના ઉમેદવારને નારીમાંથી 2649 અને કોંગ્રેસના ઉમેદવારને 997 મત મળ્યા હતા. પરંતુ આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસ કરતા પણ વધુ 1279 મત મળ્યા હતા. વરતેજ વિસ્તારના મતદારો કોંગ્રેસ તરફી રહ્યા હતા. જેમાં ખાસ કરીને ચૂંટણી સમયે ક્ષત્રિય સમાજની ભાજપ સામે નારાજગી વરતેજમાં પણ દેખાઈ હતી. વરતેજમાં કોંગ્રેસના ઉમેદવારને 4328, ભાજપને 1526 અને આપને 453 મત મળ્યા હતા.
તેવી જ રીતે મિલેટ્રી સોસાયટી, નિર્ભય સોસાયટી, શાંતિનગર સહિતના ક્ષત્રિય સમાજના પ્રભુત્વ વાળા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારને 3,064, ભાજપને 1410 અને આપને 348 મત મળ્યા છે. કાળિયાબીડ વિસ્તારમાં ભાજપે કાઠુ કાઢ્યું હતું. કાળિયાબીડમાં ભાજપને 12554, કોંગ્રેસને 3804 અને આપને 1716 મત મળ્યા હતા. શાસ્ત્રીનગર વિસ્તારમાં પણ ભાજપ તરફે સારું એવું મતદાન થયું હતું. જેમાં ભાજપના ઉમેદવારને 3,914, કોંગ્રેસના ઉમેદવારે 757 અને આપના ઉમેદવારને 509 મત મળ્યા હતા.
ભાવનગર પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારના કુલ 247 મતદાન મથકો પૈકી રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસમાં પાનવાડીના બુથ નંબર 171 અને શાસ્ત્રીનગરના બુથ નંબર 148 માં કોંગ્રેસના ઉમેદવારને માત્ર એક આંકડામાં આઠ-આઠ મત મળ્યા હતા. જ્યારે એક પણ બુથ એવું ન હતું કે જ્યાં આમ આદમી પાર્ટીને એક પણ મત મળ્યો ન હોય.
સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં ત્રણેય પક્ષની રસાકસી
ભાવનગર પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારના સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના મતદારોના પ્રભુત્વવાળા કુંભારવાડા, મતવા ચોક, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ત્રણેય પક્ષના ઉમેદવારો વચ્ચે સારી એવી રસાકસી જામી હતી. જે મતદાનના આંકડા પરથી જ દેખાઈ આવે છે. જેમાં ભાજપને 12266, કોંગ્રેસને 9,685 અને આપને 6,879 મત મળ્યા હતા.
સરકારી કર્મીઓએ ભાજપ કોંગ્રેસ બંનેને સાચવ્યા
પોસ્ટલ બેલેટ માં ખાસ કરીને સૌથી વધુ સરકારી કર્મચારીઓ દ્વારા મતદાન થયું હતું. ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક માટે પોસ્ટલ બેલેટ દ્વારા કુલ 1801 મતદારોએ મતદાન કર્યું હતું તે પૈકી 425 રદ થયા હતા અને 43 નોટાને મત આપ્યા હતા. પરંતુ આ પોસ્ટલ બેલેટના મતદારોએ ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોને સરખી રીતે કોઈને મન દુઃખ ન થાય તે રીતે સાચવ્યા હતા. ભાજપના ઉમેદવારને પણ 475 અને કોંગ્રેસના ઉમેદવારને પણ 475 મત પોસ્ટલ દ્વારા મળ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીને 372 પોસ્ટલ બેલેટ દ્વારા મત મળતા સરકારી કર્મચારીઓનો આપમાં પણ વિશ્વાસ દેખાતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.