ભાવનગર શહેર-જિલ્લામાં સતત બે સપ્તાહ કરતાં વધુ સમય સુધી હાડ થીજાવતી ઠંડી અકબંધ રહ્યાં બાદ મકરસંક્રાંતિ પર્વથી પવનની ઝડપમા ઘટાડો થતાં ઠંડીનું પ્રમાણ મહદઅંશે ઘટ્યું છે. ઠંડીનું મોજું ઓસરતા લોકોને રાહત મળી છે.
ગોહિલવાડમાં છેલ્લા બે વર્ષની તુલનાએ આ વર્ષે સૌથી વધુ ઠંડી પડી રહી છે. સામાન્યતઃ ડીસેમ્બરના ઉતરાર્ધથી શિયાળાનો આરંભ થતો હોય છે પરંતુ આ વર્ષે ઓકટોબર માસથી જ ઠંડી એ હાજરી નોંધાવી હતી અને નવેમ્બર માસથી ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ લોકોને થયો હતો. ત્યારબાદ સમય પસાર થતાં જ ઠંડીનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું ગયું અને હવે જાન્યુઆરી માસનાં પંદર દિવસ વિત્યે ઠંડીનું જોર વધી રહ્યુ હતું
ભાવનગર જિલ્લાને બાદ કરતાં સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો પારો સિંગલ ડિઝીટમાં પહોંચી ગયો છે, પરંતુ ભાવનગરમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યુ છે અને સિંગલ ડિઝીટમાં પહોંચી શક્યું નથી. ત્યારે આવનારા દિવસોમાં લઘુત્તમ તાપમાન સિંગલ ડિઝીટમાં નોંધાવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે.
છેલ્લા બે સપ્તાહ કરતાં વધુ સમય સુધી કાતિલ ઠંડી અકબંધ રહ્યાં બાદ મકરસંક્રાંતિ પર્વે પવનની ગતિ મંદ પડતા હાલમાં બેઠો ઠાર અનુભવાઈ રહ્યો છે જયારે લોકો થરથર ધ્રુજતા હતાં એ બાબતમાં રાહત મળી છે લાંબા સમયથી ઠંડી અકબંધ રહેતા લોકોની દિનચર્યામાં પણ વ્યાપક અસરો જોવા મળી હતી. ત્યારે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ ઓછું રહે એવી લોકો કુદરતને કામનાઓ કરી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.