કોરોના સહાય:કોરોનામાં સરકારી ચોપડે મૃત્યુથી પાંચ ગણા વધુને સહાય ચુકવાઈ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફટાફટ કોરોના સહાય ચુકવવાનો આદેશ થયો
  • રાહત કમિશનરની કડકાઈ બાદ 1451 પરિવારને સહાય ચુકવવામાં આવી : 2826 તો અરજી આવી

સરકાર દ્વારા જાહેર કરેલ કોરોનામાં મૃત્યુ પામેલાના વારસદારોને સહાય ચુકવવાનું શરૂ છે. ત્યારે ભાવનગર જિલ્લામાં સરકાર દ્વારા તો માત્ર 270 જ કોરોનાને કારણે મૃત્યુ જાહેર કર્યા હતાં અને તેઓને તાત્કાલિક સહાય ચુકવાઈ ગઈ પરંતુ તે સિવાય કોરોનાથી મૃત્યુ પામેલા 1181ને પણ સહાય ચુકવાઈ ગઈ છે અને હજુ પણ શરૂ જ છે. ભાવનગર સહિત રાજ્યભરમાં હાલમાં કોરોના સહાય ચુકવવા માટે સરકાર દ્વારા ભારે દબાણ છે. કોર્ટની કડકાઈ બાદ તો હવે મંજૂરીમાં પણ તંત્ર દ્વારા ક્વેરીઓ કાઢવામાં વિચાર કરે છે. ગઈકાલે પણ મામલતદારોને કોરોના મરણ સહાય અંગેની વધારાની ગ્રાન્ટ ફાળવણી થઈ ગઇ હોવાથી મંજુર તમામ અરજીઓનું ચુકવણું સો ટકા થઇ જાય તે જોવા અને પડતર અરજીઓનો પણ સત્વરે નિર્ણય કરવા જણાવ્યુ છે તદુપરાંત કોરોના મૃત્યુ સહાય અરજીઓ મંજુર કરેલ છે તેઓને બિલ બનાવીને તાત્કાલિક પેમેન્ટ કરવા સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ રાહત કમિશનરે સૂચના આપી છે. રાહત કમિશનર દ્વારા સહાય તાત્કાલિક ચુકવવા અને કોઈ અરજદારના ડોક્યુમેન્ટ ઘટતા હોય તેઓને બોલાવી ઘટતા પુરાવા રજૂ કરાવી સહાય ચુકવવા વારંવાર સુચના છતાં હજુ અનેક કિસ્સામાં અરજદારોને ધક્કા ખવરાવે છે. ભાવનગર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલ યાદી પૈકી 270 સહિત અાજ સુધી કુલ 1451 કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના વારસદારોને 50-50 હજાર રૂપિયાની સહાય ચુકવવામાં આવી છે. આજે એક જ દિવસમાં 50 લોકોને સહાય ચૂકવાય છે. તેમ છતાં કુલ અરજીઓ પૈકી 1245 અરજીઓ બાકી છે. અને મંજુર અરજી પૈકી 379 અરજી ચુકવણા માટે પેન્ડિંગ છે.

અન્ય સમાચારો પણ છે...