જનેતાનો જીવ કેમ ચાલ્યો હશે:ભાવનગરના સિહોરમાં સગી જનેતાએ તેના બન્ને બાળકો પાણીમાં ડુબાડી મોતને ઘાટ ઉતાર્યા, પતિએ પત્ની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિહોરના પાસે આવેલા ખોડીયાર તળાવમાં જનેતાએ બાળકો પાણીમાં ડુબાડ્યા
  • ઘરેથી માતા બાળકોને મંદિરે દર્શન કરવાનું કહીને લઇ ગઇ

સિહોરના રાજપરા ખોડિયાર મંદિરના તળાવમાં ઘર કંકાસથી કંટાળી જઈ માતાએ પોતાના બે કુમળા બાળકોને ફેંકી દઈ પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેમાં બંન્ને બાળકોના કમકમાટી ભર્યાં મોત થયાં હતા જ્યારે મહિલાને સ્થાનિક લોકોએ બચાવી હતી. આ ઘટના સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ભાવનગરમાં હિરાના કારખાનમાં રત્નકલાકાર તરીકે કામ કરતા અજયભાઈ જેન્તિભાઈ મકવાણા (રહે. લાલટાંકી પાસે, ભાવનગર, મુળગામ, સોનગઢ) પોતાની પત્નિ અને બે બાળકો સાથે સુખી જીવન પસાર કરતા હતા. પરંતુ છેલ્લા અમુક મહિનાઓથી તેમના પત્નિ સાથે તેમને નાની નાની વાતમાં ઘરકંકાસ થતો હતો. જે બાબતે તેમના પત્નિ સુનિતાબેન તા. 24/5ના રોજ સાંજે તેમના બંન્ન બાળકો દિકરી દ્રષ્ટિ (ઉ.વ.9) અને દિકરો ધાર્મિક (ઉ.વ.6)ને રાજપરા ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા આવી અહીં આવેલા તળાવમાં બંન્ને બાળ‌કોને ફેંકી દીધાં હતા.

જે બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ મહિલાના પતિનો સંપર્ક સાધી બંન્ને બાળકોને સિહોર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે બાળકોને મૃત જાહેર કર્યાં હતા. બીજી બાજુ ઘટનાની જાણ થતાં સિહોર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી. તેમજ આ બનાવ અંગે અજયભાઈ જેન્તિભાઈ મકવાણાએ તેમના પત્નિ સુનિતાબેન અજયભાઈ મકવાણા વિરૂદ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

તમારી પત્નીએ તમારા બંને બાળકોને ડુબાડી દીધા
સિહોર પોલીસમાં અજયભાઈ જેન્તીભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી કે, હું ભાડાના મકાનમાં પોપટભાઈની વાડી રેલ્વે હોસ્પિટલ પાછળ મકાન ભાડે રાખી રહું છું અને હીરાના કારખાનામાં કામ કરું છું, મારા લગ્ન બાર વર્ષ પહેલા બોટાદ ખાતે થયા હતા, મારે દીકરી દ્રષ્ટિ (ઉ.વ.નવ વર્ષ) અને ધાર્મિક (ઉ.વ. છ વર્ષ) છે. હું જ્યારે સવારે કામે જાવા નિકળિયો ત્યારે મારી પત્ની તથા બાળકો ઘરે જ હતા, ત્યારે સાંજના સાડા ચાર વાગે મારી પત્નીએ મને ફોન કરીને કહ્યું કે બંને બાળકો ને લઈ રાજપરા ખોડિયાર મંદિર દર્શન આવ્યા છીએ. તેમ કહી ફોન કાપી નાખ્યો હતો ત્યારે બાદ સાંજના સાડા સાતેક વાગે અરસામાં મારા પત્નિના મોબાઈલમાંથી મને મિસ્કોલ આવતા મેં તેમાં ફોન કરતા કોઈ ભાઈએ ફોન ઉપાડ્યો અને કહ્યું કે તમે જલ્દી રાજપરા ખોડિયાર મંદિરના તળાવ પાસે આવો તમારી પત્નીએ તમારા બંને બાળકોને ડુબાડી દીધા છે.

તબીબે બન્ને બાળકોને મૃત જાહેર કર્યા
આ બનાવને લઇ શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જયારે માતા સુનિતા તળાવની ધારે બેઠી હતી પોલીસ અને સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ કરી નવ વર્ષની બાળકી અને સાત વર્ષના બાળકને પાણીમાંથી બહાર કાઢી સારવાર અર્થે સિહોર ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસની બન્ને બાળકોને મૃત જાહેર કર્યા હતા. તો બનાવના પગલે બન્ને મૃતક બાળકોના પિતા અજયભાઈ પણ સિહોર દોડી આવ્યા હતા.

અજયભાઈએ પોલીસ ફરીયાદમાં જણાવ્યું હતું કે, છેલ્લા સાતેક માસથી મારે અને મારી પત્નીને નાની વાતમાં ઘરકંકાસ થતો હોય જેના કારણે મારી પત્નીએ બંને બાળકોને તળાવમાં ડુબાડીને મારી નાખ્યા છે. આ મારી પત્ની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ. સિહોર પોલીસે ગુનો નોંધી આઈ.પી.સી.302 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મહિલા હેલ્પલાઈનનો સંપર્ક સાધી ઉકેલ લાવી શકાય...
ઘરના નાના ઝઘડાઓ બાદ આવું પગલું ભરવું તે ઉકેલ નથી. આવા કિસ્સામાં મહિલા હેલ્પલાઈન અભ્યમ મદદ કરે છે. તેનો સંપર્ક સાધી કાઉન્સેલિંગ દ્વારા આવા ઝઘડાઓનો ઉકેલ લાવવામાં આવે છે. તેમજ ઘણી સામાજીક સંસ્થાઓ દ્વારા પણ આ કાઉન્સેલિંગનું કામ થતું હોય છે તેનો સંપર્ક સાધી ઉકેલ લાવી શકાય છે. ઉપરાંત ઘરના વડિલો સાથે બેસી ઘરમેળે પણ આવા ઝઘડાનું સમાધાન થાય છે. પરંતુ આવું પગલું ભરવુંએ ઉકેલ નથી. પોલીસ હંમેશા આવા કિસ્સામાં મદદ કરશે.> કે.ડી.ગોહિલ, પીઆઈ, સિહોર પોલીસ સ્ટેશન

અન્ય સમાચારો પણ છે...