ગીર જંગલની બોર્ડર પર જેસર, મહુવા, પાલિતાણા પંથકના બૃહદગિરમાં સિંહોએ વસવાટ પુનઃ સ્થાપિત કર્યો છે. ત્યારે કેટલાક શખ્સો ખાનગીમાં સિંહની પજવણી કરતા હોય તેવા બનાવો સમયાંતરે બહાર આવતા હોય છે. બે દિવસ પૂર્વે ઈકો ગાડીમાં સવાર શખ્સોએ સિંહની પાછળ ગાડી દોડાવી સિંહની પજવણી કરી હતી. જેનો વાયરલ થયેલો વીડિયો વન તંત્રના ધ્યાને આવતા બે આરોપીઓને પકડી પાડી કડક કાર્યવાહી હાથ ધરી હતી.
બૃહદગીર વિસ્તાર ગીરના સિંહોને માફક આવી ગયો છે તો સ્થાનિક ખેડૂતો, પશુપાલકોને પણ સિંહો પ્રત્યે ખાસ અણગમો નથી. સિંહો સૌરાષ્ટ્ર અને ગીરનું ઘરેણું છે ત્યારે લોકો સિંહો જોઈ રોમાંચિત થઈ રહ્યા છે પરંતુ કેટલીક વાર વિકૃત આનંદ માટે સિંહની પજવણી કરી બેસતા હોય છે અને પોતે વીડિયો વાયરલ કરી ગૌરવ મેળવતા હોય છે.
બે દિવસ પૂર્વે શેત્રુંજય ડિવિઝન નીચેના જેસર રેવન્યુ વિસ્તારમાં એક સિંહ જોવા મળતા ઇકો કારમાં સવાર લોકોએ તેની પાછળ સ્પીડમાં કાર દોડાવી સિંહની પજવણી કરી હતી. તેમજ વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો.
આ વીડિયો વન વિભાગને હાથ લાગતા આ ગુનામાં સંડોવાયેલા શખ્સોની ઓળખ કરી જેસરના ઝડકલા ગામના મનસુખ બારૈયા અને વિનોદ બારૈયાની ધરપકડ કરી તેની સામે વન્યધારાની જુદી જુદી કલમો તળે ગુનો નોંધી ઇકો કાર સાથે ધરપકડ કરી હતી. જેસરના આરએફઓ વેગડાના જણાવ્યાંનુસાર આ ગુનામાં આરોપીને 3 થી 7 વર્ષની સજાની જોગવાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.