ભાવનગર શહેર અને જિલ્લામાં અપરાધી તત્વો બેખોફ બન્યા છે અને મન પડે ત્યારે ઈચ્છી તેની પર હુમલા કરવાની ઘટના વધી છે, તેમાં પણ છેલ્લા બે માસમાં ફાયરીંગની ઘટનાઓ પણ સામે આવતી જાય છે. દોઢ માસ પૂર્વે શહેરની સવાઈગર શેરીમાં ફાયરીંગ કરી ડબલ મર્ડર થયાની ઘટના તાજી છે, ત્યાં તળાજામાં પાંચેક દિવસ પૂર્વે પિતા પુત્ર પર ગોળીબાર કરી યુવાનનું ઢીમ ઢાળી દેવાયુ હતું. આ બનાવ હજુ ભુલાયો નથી ત્યાં આજે મહુવામાં એક શખ્સે હાર્દસમા ગાંધીબાગ ચોકમાં ધડાધડ ફાયરીંગ કર્યા હતા. આ સમયે તેણે પકડવા પોલીસ ગઈ તો તેને પણ નિશાન બનાવી એક રાઉન્ડ ફાયરીંગ કરી આ શખ્સ હવામાં ઓગળી ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
આ ચકચારી બનાવની પ્રાથમિક વિગતો સામે આવી છે, જે મુજબ આજે બપોરના સુમારે મહુવાના ગાંધીબાગ ચોક વિસ્તારમાં એક શખ્સ કાર લઈને આવ્યો હતો અને કોઈ કારણોસર પોતાની પાસે રહેલી પિસ્તલ જેવા હથિયારમાંથી હવામાં બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આ બનાવ ગાંધીબાગ પોલીસ ચોકીની સામે જ બન્યો હતો. આથી પોલીસ તેને પકડવા દોડી હતી, પરંતુ આ શખ્સ લાજવાના બદલે ગાજ્યો હતો અને પોલીસને પણ નિશાને લઈ વધુ એક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જોકે, આ ગોળીબારમાં પોલીસ કર્મચારી કે અન્ય કોઈને ઈજા સદ્નસીબે ઈજા પહોચી નથી. આ બનાવથી મહુવા સહિત જિલ્લાભરમાં ભારે ચકચાર મચી છે.
પોલીસવાળા આડા આવતા નહી, તમનેય મારી નાખીશ
ચોકી પર ફરજ પર બધો સ્ટાફ હતો ત્યારે બપોરના સવા બારેક વાગ્યે ફાયરિંગનો અવાજ આવતા હું, લાધવા સાહેબ, રાજેન્દ્રસિંહ તથા કૌશિકભાઈ ચોકીની બહાર નિકળ્યા તો નેસવડ ગામનો જયેશ ઉર્ફે જપ્પન મકવાણાનો દિકરો રામ નંબર પ્લેટ વગરની કારની બાજુમાં ઉભા રહી હવામાં ફાયરિંગ કરતો હતો. જેથી અમે તેને બુમો પાડી કે એ રામ તું આ રેવા દે ફાયરિંગ બંધ કર, તો તેણે સામું કહ્યું કે, તમે કોઈ પોલીસવાળા આમા આડા આવતા નહી નહીતર હું તમને મારી નાખીશ. તેની સાથે કાળો શર્ટ પહેરેલો કોઈ અજાણ્યો શખ્સ હતો. તેને અમે રોકવા જતાં રામે કારની બારીમાંથી અમારી તરફ પિસ્ટલ તાકી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું પણ અમે સમય સુચકતા વાપરી સાઈડમાં ખસી જતાં કોઈને વાગી નહી અને એ લોકો નાસી છુટ્યાં. જેમને પડકવા માટે અમારા તંત્રએ પણ પાછળ વાહનો દોડાવ્યા હતા.- ધારેશભાઈ ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.