ACBની સફળ ટ્રેપ:ભાવનગરમાં વાસ્મોનો મેનેજર અને પટ્ટાવાળો 35 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગર એસીબીની ટીમે છટકું ગોઠવી ટ્રેપને સફળ બનાવી

ભાવનગર શહેરના સરદારનગર સ્થિત પાણી પુરવઠા વિભાગમાં કરાર આધારિત ફરજ બજાવતા એક મેનેજર તથા પટ્ટાવાળો ફરીયાદી પાસેથી રૂપિયા 35 હજારની લાંચ લેતાં જામનગર એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે રંગેહાથ ઝડપી લીધા છે.

ગઈ કાલે મહુવા તાલુકા પંચાયત કચેરીમાં એક કલાર્ક લાંચ લેતાં ભાવનગર એસીબી ની ટીમે ઝડપી લીધો હતો. આ સમાચાર હજું તાજા જ છે ત્યાં આજરોજ ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલ વાસ્મો -પાણીપુરવઠા વિભાગની ઓફિસમાં 11 માસના કરાર આધારે "વાસ્મો" માં મેનેજર તથા ડીસ્ટ્રીક્ટ કો-ઓર્ડીનેટર તરીકે વધારાનો હવાલો સંભાળતા વિપુલ મધુસુદન પટેલ ઉ.વ.41 તથા અહીં જ પટ્ટાવાળા તરીકે ફરજરત પ્રકાશ પરશોત્તમ રાઠોડ ઉ.વ.42 રે.રજપૂત વાડ સુભાષનગરને રૂપિયા 35 હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા છે.

બંને કર્મચારીઓએ એક વ્યક્તિ પાસે વોટર વિભાગના કામ મંજૂરી માટે રૂપિયા 35 હજારની લાંચ માંગી હતી આથી ફરીયાદી એ જામનગર તથા દેવભૂમિ દ્વારકા એસીબી ની ટીમને જાણ કરતાં બંને ટીમોએ શહેરના સરદારનગર મ્યુનિ. શોપિંગ સેન્ટર સ્થિત વાસ્મોની ઓફીસે છટકું ગોઠવ્યું હતું. જેમાં ફરીયાદી એ પ્લાન મુજબ પાઉડર વાળી ચલણી નોટના બંડલ મેનેજર વિપુલ પટેલ તથા પ્રકાશ રાઠોડને આપતાં જામનગર એસીબીના ડીવાયએસપી એ.પી જાડેજા તથા ટીમે બંને લાંચીયા કર્મીઓને આબાદ ઝડપી લીધા હતા. વધુ માં એવું પણ જાણવા મળ્યું છે કે આ લાંચીયા કર્મીઓએ રૂપિયા 13 લાખ નું કામ મંજૂર કરાવ્યું છે હાલ જામનગર-દ્વારકા એસીબી ની ટીમોએ આરોપીઓ ને ઉઠાવી તપાસ હાથ ધરી છે સતત બીજા દિવસે એસીબી ટ્રેપ થતાં લાંચીયા અધિકારીઓ-કર્મચારીઓ માં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...