NSUIનું હલ્લાબોલ:ભાવનગર યુનિવર્સિટીમાં એક્સટર્નલ અભ્યાસક્રમ બંધ કરવા સહિતના પાંચ મુદ્દે વિરોધ પ્રદર્શિત કરાયો

ભાવનગરએક મહિનો પહેલા

ભાવનગર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના વિવિધ પડતર પ્રશ્નોના નિકાલ અંગે આજરોજ એનએસયુઆઇ દ્વારા વિદ્યાર્થીઓના મહત્વના પાંચ મુદ્દાઓ અંગે યુનિવર્સિટી ખાતે હલ્લાબોલ કરાયો હતો અને કુલપતિ સમક્ષ તાત્કાલિક નિરાકરણ લાવવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

NSUI દ્વારા 5 મુદ્દાઓને લઈ યુનિવર્સિટીમાં હલ્લાબોલ
NSUI દ્વારા 5 મુદ્દાઓને લઈ રજૂઆત કરાઈ હતી. જેમાં ગુજરાત NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, દર વર્ષે ભાવનગર યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. તેવા બાહ્ય અભ્યાસક્રમ વિભાગમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવી, સેલ્ફ ફાઈનાન્સ કોલેજોને લાભ પહોંચાડવા માટે કુલપતિ દ્રારા બાહ્ય અભ્યાસક્રમ બંધ કરી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે.

આ ઉપરાંત યુનિવર્સિટી સંચાલિત હોસ્ટેલોમાં ગંદકીનું સામ્રાજ્ય પુષ્કળ પ્રમાણમાં છે સાફ સફાઈનો સદંતર અભાવ છે. વિદ્યાર્થીઓનુ સ્વાસ્થ્ય જોખમાય છે અને હોસ્ટેલમાં પીવાના પાણીની તેમજ વપરાશના પાણીની સુવિધા પ્રાપ્ત નથી અને જમવા માટેની પણ કેન્ટીન ઘણા સમયથી બંધ હાલતમાં છે. તાકીદે તમામ યોગ્ય કરવા ઉપરાંત યુનિવર્સિટીના રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે. વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓ પડે છે તે રસ્તા રીપેરીંગ કરવા તેમજ સ્પાન પિરિયડ પૂર્ણ થયેલ વિદ્યાર્થીઓની વહેલી તકે પરીક્ષા લેવા અને પરિણામોમાં વારંવાર થતા છબરડાઓ બંધ કરાવવા અને યોગ્ય રીતે ચકાસી પરિણામો બહાર પાડવા સહિતની માગણી કરવામાં આવી હતી.

કુલપતિએ રજુઆત સાંભળી હૈયાધારણા આપી
આ તમામ પ્રશ્નોના તાકીદે ઉકેલ લાવવા માંગ કરવામાં આવી હતી. જેને ભાવનગર યુનિવર્સિટીના કુલપતિએ રજુઆત સાંભળી નિવારણ લાવવા હૈયાધારણા આપી હતી, આ કાર્યક્રમમાં એનએસયુઆઈના ગુજરાત પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ભાવનગર શહેર પ્રમુખ તુષારરાજસિંહ તથા ભાવનગર જિલ્લા પ્રમુખ અર્શમાનખાન બલોચ તથા સેનેટ સભ્ય શિવાભાઈ ડાભી, એનએસયુઆઈ ના આગેવાનો કાર્યકરો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...