તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓડિયો વાઈરલ:ભાવનગરમાં ભાજપની બે મહિલા ઉપપ્રમુખોએ ત્રણ લાખનો તોડ કરવા ધમકી આપી

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોમલ ત્રિવેદી અને બીના જોશીએ ગુંડાનો ઉપયોગ કરવો પડે, ખાતામાં આપવા પડે કહી પૈસા પડાવવા પ્રયાસ કરતા ચકચાર

રાજકીય અને સામાજિક ઓથ લઈ મજબૂર લોકો પાસેથી પૈસા પડાવવાના તો અનેક દાખલા હશે પરંતુ ભાવનગરમાં ભાજપ મહિલા મોરચાના બે ઉપપ્રમુખ અને માનવ અધિકાર નિગરાની સમિતિના મહિલાઓએ પતિ પત્નીના ઘરેલુ કેસમાં ત્રણ લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પતિ પાસે આટલી મોટી રકમની વ્યવસ્થા નહીં થતાં અને બન્ને મહિલાઓ પાસે કામ કરાવવાનો આગ્રહ રખાતા અંતે ઓડિયો ક્લીપ વાયરલ થયો હતો. અને મામલો પોલીસ સુધી પહોંચતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચ્યો છે.

ભાવનગરના રહિશ પિયુષભાઈ ભુંભાણીના પત્ની રિસામણે હોવાથી તેને પરત લાવવા માનવ અધિકાર નિગરાની સમિતિમાં ગયા. જ્યાં ભાવનગર શહેર ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ કોમલબેન ત્રિવેદી અને બીનાબેન જોશીને મળ્યા. જેઓએ કેસની પતાવટ માટેની ખાત્રી આપી પહેલા બે લાખ અને ત્યારબાદ ત્રણ લાખની માગણી કરી. ત્રણ લાખ માટે પિયુષભાઈએ આનાકાની કરતા બન્ને મહિલાઓએ કેસ પતાવવા ખાતાવાળાને ખવરાવવા પડે અને ધાક ધમકી માટે ગુંડાનો ઉપયોગ કરવા સુધી ખર્ચનો હિસાબ આપ્યો હતો.

3 લાખ વધારે લાગતા અંતે પિયુષભાઈએ પત્નીને પાછી લાવવાના કામની ના પાડી દીધી. જેથી તેમની પાસે જ કામ કરાવવુ પડશેની ધમકી આપતા પિયુષભાઈએ ભાજપની મહિલા ઉપપ્રમુખ સાથે થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ કરતા મહિલા આગેવાનોની પૈસા પડાવવાના કરતુતનો ભાંડો ફુટી ગયો હતો. અને આ મામલો પોલીસ સુધી પણ પહોંચ્યો હતો. હજુ તાજેતરમાં જ બન્ને મહિલાઓને ભાજપના મહિલા મોરચામાં ઉપપ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. તેમજ તેઓ બ્રહ્મ ક્રાંતિ સંઘમાં પણ હોદ્દો ધરાવે છે.

કામ તેમની પાસે કરાવવા દબાણ
અરજદાર પિયુષભાઈ ભુંભાણીએ કહ્યું- મારી પત્નિ રિસામણે હોય અને છુટાછેડા અપાવવા મારા એક સંબંધી પાસેથી માનવ અધિકાર પંચમાંથી કોમલબેનનો નંબર મેળવ્યો. તેમણે બધુ કામ કરાવવાના 2 લાખ અને એડવાન્સમાં 50 હજાર થશે તેવું જણાવેલ પણ પૈસાની વ્યવસ્થા નહી થતાં મેં આ કામ કરાવવાની ના પાડતા આ લોકો દ્વારા માનસિક ત્રાસ આપી અમારી પાસે જ કામ કરાવવું પડશે તેવું દબાણ કરી ધમકી આપી.

બન્નેને હોદ્દા પરથી દુર કરાયા
શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડયાએ કહ્યું- શહેર ભાજપના મહિલા મોરચાના ઉપાધ્યક્ષ કોમલબેન ત્રિવેદી અને બીનાબેન જોશી અંગે ફરિયાદ આવતા તેમને અનુશાસન ભંગની આ પ્રવૃત્તિને ગંભીરતા લઈને હોદ્દા પરથી દુર કરવાનો નિર્ણય લેવાયો છે. અને નવા હોદ્દેદારો નિમાયા છે.

કોમલબેન સાથેની ઓડીયો ક્લીપ
પિયુશભાઈ: બેન પરિવાર ટેન્શનમાં આવી ગયો છે.
કોમલબેન: જવાબદારી બધી મારી, તમારા ઘેર પોલીસ આજેય નહી અને જીંદગીમાં ક્યારેય નહી આવે હાલ હું બહાર છું આવીને મળી જઈશ.
પિયુશભાઈ: કોમલબેન પીયુશ બોલું, પેલા બેન કહેતા હતા કે 3 લાખ જેટલું થશે, પણ બધી રકમ નિકળી જશેને?
કોમલબેન: ડન,ડન ભાઈ, તો જ અમે બોલતા હોઈએ ને, આપણે લીગલ ચાલશું જેલ તો બતાવી જ દઈશું, જવાબદારી મારી.
પિયુશભાઈ: કંઈ ઓછું થશે તમારું?
કોમલબેન: એડવાન્સ 50 પહોંચાડો પછી પાછળથી સમજીશું, તમારું માન રાખી લઈશ.
પિયુશભાઈ: બેન પાક્કા પાયે બધુ થઈ જશે ને?
કોમલબેન: તમે ચિંતા કરોમાં, મારા પર છોડો, હું લીગલ જ ચાલીશ, તમે ચિંતા મારા પર છોડી દો, ખોટી જગ્યાએ એણે આંગળી ભરાવી છે.

બિનાબેન સાથેની ઓડિયો ક્લિપ
બીનાબેન: તમારી પાસે પૈસાના એવિડન્સ છે?
પિયુશભાઈ: હા, છે.
બીનાબેન: તમારા પૈસા કઢાવી દઈએ તો મને એમ કીધું કે ત્રણ લાખ થાય ટોટલ.
પિયુશભાઈ: એમાં પણ એક લાખ વધી ગયા? પૈસા પુરેપુરા આવશે ને?
બીનાબેન: તમારી પાસે એવીડન્સ હશે તો પુરેપુરા પૈસા આવશે. તમારે કોઈ વકીલ રાખવાનો થતો નથી. આવવા-જવાનો કોઈ ખર્ચ નથી અત્યારે એડવાન્સમાં 50 દેવાના થાય છે.

નવા મહિલા ઉપપ્રમુખની નિમણૂંક
​​​​​​​ભાવનગર શહેર ભાજપ મહિલા મોરચાના બે ઉપપ્રમુખને અનુશાસન ભંગની આ પ્રવૃત્તિને ગંભીરતા લઈને હોદ્દા પરથી સસ્પેન્ડ કરતા તેમના સ્થાને નવી નિમણૂક શહેર ભાજપ દ્વારા કરવામાં આવી છે. જેમાં મહિલા મોરચાના ઉપપ્રમુખ પદે માધવીબેન હર્ષદરાય ભટ્ટ અને જ્યોત્સનાબેન પ્રતાપભાઈ પંડ્યાની નિયુક્તિ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...