કાળાબજાર:ભાવનગરમાં 800ની તમાકુના 1200 રૂપિયા પડાવતા બે વેપારી ઝડપાયા, જિલ્લા પુરવઠા અધિકારી હેઠળ 2 ટીમો બનાવાઈ

કાળાબજાર3 વર્ષ પહેલા
  • તોલમાપ વિભાગ દ્વારા 9 કેસ કરીને રૂ. 11500 દંડ વસુલ કર્યો

લોકડાઉન શરૂ થયુ ત્યારથી આજ સુધી ગુટકા, તમાકુ, બીડી, સિગરેટમાં જગજાહેર રીતે ધૂમ કાળાબજાર થતું હોવાની વ્યાપક પ્રમાણમાં ફરિયાદો ઉઠી હતી. ત્યારે છેલ્લાં બે દિવસથી તંત્રએ વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી છે. ભાવનગરમાં પાન, મસાલા, તમાકુ, અને બીડી સિગરેટનું હોલસેલમાં વેચાણ કરતી અનેક દુકાનો આવેલી છે અને ખુલ્લેઆમ અનેક ગણા ભાવ ગ્રાહકો પાસેથી વસૂલ કરી કાળાબજાર કરવામાં આવી રહ્યાં છે. મનપાની સોલીડ વેસ્ટ ટીમ દ્વારા ડસ્ટબીન, કચરો અને ગંદકી જેવી બાબતે વેપારીઓ પાસેથી રૂ. 4700નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. વ્યાપક પ્રમાણમાં ફરિયાદો ઉઠતા જિલ્લા પુરવઠા અધિકારી હેઠળ 2 ટીમો બનાવવામાં આવી છે. જેમાં ફૂડ સેફ્ટી ઓફિસર, તોલમાપ, પુરવઠા અને સેનેટરી ઈન્સ્પેકટર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જથ્થાબંધ અને છૂટક વેપારીઓને ત્યાં અચાનક ચેકિંગ કરે છે. મંગળવારે ટીમ દ્વારા ભાવનગર અને પાલિતાણામાં 26 વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન ભાવનગરમાં એક અને પાલિતાણામાં એક એમ કુલ બે વેપારીઓ MRP કરતાં વધુ ભાવ લેતા ઝડપાઈ ગયા હતા. આજે ભાવનગરમાં સોપારી, બીડી, ગુટકા, તમાકુ લેવા લોકોની લાંબી લાઇન લાગી હતી અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા.

જિલ્લામાંથી માત્ર બે જ વેપારીઓ જ ઝડપાયા તે આશ્ચર્યજન

ટીમે આંબાચોક, મામા ખાંડણીયા સહિતના ગામતળ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી અને MRP કરતાં વધુ ભાવ સહિતની બાબતે તોલમાપ વિભાગ દ્વારા 9 કેસ કરીને રૂ.11500 દંડ વસુલ કર્યો હતો. દરોડા સમયે એક ગ્રાહક તમાકુ લેવા માટે આવ્યો હતો. જેની પાસેથી 800ની MRPના 1200 રૂપિયા લેવામાં આવતા અને તે જ સમયેઅધિકારીઓ આવી જતાં વધારે લીધેલા 400 રૂપિયા પરત આપવામાં આવ્યા હતા. આ સાથે જ અન્ય એક ગ્રાહકે પણ MRP કરતાં વધુ રૂપિયા લીધા હોવાનું જાણવા મળ્યું હતું. અધિકારી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમે ચેકિંગ કરવા આવવાના છીએ તેની વેપારીઓને અગાઉ કોઈને કોઈ રીતે જાણ થતાં દુકાનો બંધ કરીને જતાં રહે છે. દુકાન બંધ કરીને જતાં રહેલા પરંતું બહાર પાડેલા તમાકુના પાંચ કોથળા કબ્જે લીધા છે. આ સાથે જ તેમણે કહ્યું કે અમે આવવાના છીએ તેની અગાઉ જાણ થઈ જાય છે એનો મતલબ એવો થયો કે ટીમમાંથી અથવા તેમની કચેરીમાંથી જ વાત લીક થાય છે. જે કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી માટે તપાસ અને સંશોધનો વિષય બને છે.

(ભરત વ્યાસ, ભાવનગર)

અન્ય સમાચારો પણ છે...