બોગસ બિલીંગ કાંડ:ભાવનગરમાં GST ચોરી મામલે વિભાગના બે અધિકારીઓની સંડોવણી ખૂલ્યા બાદ ધરપકડ કરાઈ

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોગસ બિલ્ડીંગ કાંડમાં ભાવનગર હરહંમેશ ચર્ચામાં રહ્યું છે. બોગસ બીલીંગ કાંડ મામલે GSTના બે અધિકારીઓની LCBએ કરી ધરપકડ કરી છે. ભાવનગર- અમદાવાદ માર્ગ પર આવેલા નિરમા પાટિયા પાસેથી થોડા દિવસ પહેલા LCBએ લોખંડના સળિયા ભરેલી ટ્રક સાથે શખ્સોને ઝડપી લીધા હતા. આ શખ્સોની પૂછપરછ દરમિયાન જીએસટીના બે અધિકારીઓના નામ પણ ખુલ્યા હતા. જેથી બંને અધિકારીઓની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી છે. ઝડપાયેલા જીએસટીના અધિકારીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે.

જીએસટી બિલ મળી આવ્યું ન હતું
આ અંગે ડીવાયએસપીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તાજેતરમાં ભાવનગર-અમદાવાદ હાઈવે પર નિરમા પાટીયા પાસે સનેશ ગામ નજીક લોખંડના સળિયા ભરેલા બે ટ્રક ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યાં હતા અને તપાસ દરમિયાન તેઓ પાસેથી જીએસટી બિલ મળી આવ્યું ન હતું. આ કેસમાં ભાવનગર લોકલ ક્રાઈમ દ્વારા મૃગેશ અઢિયા ઉર્ફે ભૂરો, દેવાંશુ ગોહેલ, ધ્રુવિત માંગુકિયા, મલય શાહ, દીપક મંકોડિયા, વિક્રમ પટેલ ઉર્ફે પોપટની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યાં હતા.

અધિકારીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે
રિમાન્ડ દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સમગ્ર કૌભાંડના મૂળિયા સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા શખ્સોની આગવી ઢબે કરાયેલી પૂછપરછ દરમિયાન વડોદરા CGSTના સુપ્રિન્ટેન્ડેન્ટ નીરજ મીણા અને ભાવનગર સ્ટેટ GSTના મોબાઈલ સ્કોડના પ્રિતેશ દુધાતની સામેલગીરી જણાવી હતી. આ બંને જીએસટી અધિકારીઓ વિરુદ્ધ અગાઉ પકડાયેલા આરોપીઓના મોબાઇલમાંથી પુરાવા મળી આવ્યાં હોવાનું જાણવા મળેલ છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નીરજ વીણા અને પ્રિતેશ દુધાતની ધરપકડ કરવામાં આવી છે આ બંને જીએસટી અધિકારીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી અને રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...