મકરસક્રાંતિ બનશે મોંઘી:ભાવનગરમાં પતંગની કિંમતમાં 25થી 30 ટકાનો ભાવ વધારો, કાચામાલની કિંમતમાં થયેલા વધારાને પગલે પતંગ-દોરીની કિંમત આસમાને

ભાવનગર14 દિવસ પહેલા
  • હજાર વારની ફિરકીની કિંમતમાં પણ ગત વર્ષ કરતાં રૂપિયા 50નો વધારો
  • પતંગની ખરીદી અને દોરી ઘસાવવા માટે આવનારાનું પ્રમાણ પણ હજુ સાધારણ

ઉત્તરાયણને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પતંગ રસિયાઓએ ગત વર્ષની ઉત્તરાયણ કરતાં આ વખતે પતંગ-દોરી માટે 25 ટકા વધુ કિંમત ચૂકવવી પડશે. કાચા માલની મર્યાદિત આવક તેમજ પતંગ બનાવવાની સામગ્રીની કિંમતમાં થયેલા વધારાને પગલે પતંગ-દોરીની કિંમત આસમાને ગઇ છે.

ગત વર્ષે 5 પતંગની કિંમત રૂપિયા 15થી 20 હતી. જેના માટે આ વર્ષે હવે 20થી 25 રૂપિયા ચૂકવવા પડશે. આમ, પંજે 5 રૂપિયાનો વધારો થયો છે. આ જ રીતે હજાર વારની ફિરકીની કિંમત ગત વર્ષે રૂપિયા 100 હતી. તેના માટે આ વર્ષે રૂપિયા 150થી વધુ ચૂકવવા પડશે. પતંગની ખરીદી અને દોરી ઘસાવવા માટે આવનારાનું પ્રમાણ પણ હજુ સાધારણ જોવા મળી રહ્યું છે. જો કે, આગામી એકાદ સપ્તાહમાં તેમાં વધારો થશે તેવો વેપારીઓને આશા છે. ભાવ વધારો હોવા છતાં આ વખતે પતંગ-દોરીનું વેચાણ ગત વર્ષ કરતાં વધશે તેમ પતંગબજારના વેપારીઓનું માનવું છે.

પતંગના વેચાણ સાથે સંકળાયેલા ભાવનગરના ધર્મેન્દ્રભાઈ પારેખે જણાવ્યું હતું કે, કમાન, વાંસ, કાગળ સહિતના કાચા માલ તેમજ મજૂરીની કિંમતમાં વધારો થતાં પતંગની કિંમત આ વખતે 20-30 ટકા સુધી વધી ગઇ છે. આ ઉપરાંત કોરોનાને કારણે ઉત્તરાયણમાં આ વખતે પતંગનું વેચાણ કેવું રહેશે તેને લઇને અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. જેના કારણે મોટી કંપની હોય કે નાનો ઉત્પાદક તેમણે પતંગ-દોરીનું પ્રોડક્શન ઓછું કર્યું છે. માલની અછત પણ પતંગ-દોરીની કિંમતમાં થયેલા ભાવ વધારા માટે મહત્વનું પરિબળ છે.

અન્ય સમાચારો પણ છે...