ભાવનગરમાં આજે સવારે મોટી દુર્ઘટના સર્જાતાં અટકી છે. સુરતથી મુસાફરો ભરી ભાવનગર આવેલી ખાનગી ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ-એટેક આવ્યો હતો, જેથી ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ ગણતરીની સેકન્ડોમાં જ ત્રણ વાહનને ટક્કર મારીને મારુતિના શોરૂમમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં ડ્રાઈવરનુ સ્થળ પર જ મોત થયું હતું. જોકે સદનસીબે બીજી કોઈ વધુ જાનહાનિ થઈ નથી.
બસ વાહનોને અડફેટે લઈને મારુતિ કારના શો રૂમમાં ઘૂસી
ભાવનગર શહેરમાં દરરોજ સવારે 4 કલાકથી સુરત તથા મુંબઈ જેવાં મહાનગરોમાથી સેંકડો ખાનગી ટ્રાવેલ્સની બસો શહેર તથા જિલ્લાના તાલુકાઓમાં પ્રવેશે છે, એ જ રીતે રોજિંદા ક્રમ મુજબ સુરતથી અવધૂત ટ્રાવેલ્સની બસ શહેરમાં આવી રહી હતી. એ દરમિયાન દેસાઈનગર પાસે આવેલા પેટ્રોલપંપ નજીક પહોંચતાં બસના ચાલકને ચાલુ બસે હાર્ટ-એટેક આવ્યો હતો. ચાલુ બચે હુમલો આવતાં ચાલકે બસ પરનો કાબૂ ગુમાવતાં પેટ્રોલપંપ નજીક આવેલાં બે વાહનોને અડફેટે લઈને મારુતિ કારના શો રૂમમાં ઘૂસી હતી.
ટ્રાફિક નહિવત્ હોવાથી મોટી જાનહાનિ ટળી
વહેલી સવારે બનેલી એકાએક ઘટનાને પગલે બસમાં સવાર પ્રવાસીઓ ભયભીત થયા હતા અને બસમાં દેકારો મચ્યો હતો. સવારે આ રોડ પર ટ્રાફિક નહિવત્ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ વાહનો તથા બસને ખાસ્સું નુકસાન થયું હતું. આ ઘટનામાં બસચાલકે ડ્રાઈવર સીટ પર જ દમ તોડ્યો હતો. ડ્રાઈવરના મૂર્તદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, આ ઘટના ઘટતાં રાહદારીઓ-વાહનચાલકોને તથા તત્કાળ મદદે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતાં ડી-ડિવિઝન પોલીસનો સ્ટાફ પણ સ્થળપર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.