રજૂઆત:ભાવનગરમાં કોરોના દર્દીઓને પડતી મુશ્કેલીઓ બાબતે કોંગ્રેસ આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

ભાવનગર6 મહિનો પહેલા
  • શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોએ પ્રશ્નનો તાકીદે ઉકેલ લાવવા માંગણી કરી

ભાવનગરમાં કોરોના મહામારીમાં દિન પ્રતિદિન વધારો નોંધાઇ રહ્યો છે. તેવા સંજોગોમાં દર્દીઓ અને તેમના સગા સબંધીઓમાં પણ મુશ્કેલીઓ વધી રહી છે. દર્દીઓને તમામ સુવિધાઓ મળી રહે અને સારવાર મળી રહે તે માટે તેમજ આરટીપીસીઆર, વેન્ટીલેટર, ઓક્સિજન, બેડના પ્રશ્નનો તાકીદે યોગ્ય ઉકેલ આવે અને દર્દીઓને કોઇ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવા આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિત્તિના આગેવાનો દ્વારા ભાવનગર જિલ્લા કલેક્ટરને એક વિસ્તૃત આવેદન પત્ર પાઠવી તાકીદે યોગ્ય કરવા માંગણી કરવામાં આવી હતી.

ભાજપ પક્ષની નિતીઓની ઝાટકણી કરવામાં આવી

તેમજ સત્તાધારી ભાજપ પક્ષની નિતીઓની ઝાટકણી કરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષ દ્વારા ઇન્જેક્શનના નામે ભાજપ રાજકારણ કરી રહ્યું હોવાનું પણ આક્ષેપ કરાયા હતા. આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપતી વેળાએ શહેર કોંગ્રેસ સમિત્તિના પ્રમુખ પ્રકાશ વાઘાણી, ધારાસભ્ય કનુ બારૈયા, મ્યુનિ. વિપક્ષના પૂર્વ નેતા જયદિપસિંહ ગોહિલ, પૂર્વ નગર સેવક પારૂલ ત્રિવેદી સહિતનાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. અને જિલ્લા કલેક્ટરને ભાર પૂર્વકની રજૂઆત કરી હતી.

રેલવેના ડબ્બામાં બેડની વ્યવસ્થા કરાઇ હતી ક્યાં ગઇ?

આવેદનપત્રમાં જણાવાયું હતું કે, એક વર્ષથી કોરોનાના આ માહોલ વચ્ચે આજ સુધી આ ભાજપની સરકારે કઇ સુવિધા ઉભી કરી તે લોકોને ખબર નથી. મોટી મોટી વાતો કરીને રેલવેના ડબ્બામાં બેડની વ્યવસ્થા થઇ ગઇ છે. તે રેલવેના ડબ્બા ક્યાં ગયા? તેમજ સરકારે ભાવનગરમાં નવી કોઇ બેડ સાથેની હોસ્પિટલની વ્યવસ્થા કરેલ નથી. ફક્ત ચૂંટણી અને મોટા મોટા તાયફામાં તેમજ લોકોના માસ્કના દંડ જ રસ ધરાવ્યો છે.

આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ વહેલા મળે તેવી વ્યવસ્થા કરવી જોઇએ

ભાવનગરમાં ભાજપના મોટા આગેવાનો જે સરકારમાં સ્થાન ધરાવે છે. છતાં પણ આ પરિસ્થિતિમાં લોકો માટે કોઇ નવી વ્યવસ્થા કે સગવડ લાવ્યા નથી. ભૂતકાળમાં શક્તિસિંહ ગોહિલે પોતાની સરકારમાં પોતાનું રાજીનામુ આપી ભાવનગરના લોકો માટે મેડિકલ કોલેજ લાવેલા આ સમયમાં ગોહિલે વારંવાર સરકારમાં ભૂલ પરિવર્તન ના થાય તે માટેના સુચનો કર્યાં હતા. પરંતુ આ સરકારે આ સુચનો પર ધ્યાન જ ના દોર્યું. રેમડેસિવિર ઇજેક્શન લોકોને મળતા નથી અને મેળવવા માટે કેટલાય આધાર પુરાવા રજૂ કરવા પડે છે. આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ વહેલા મળે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. વેન્ટીલેટર, ઓક્સિજન, દર્દીઓ માટે જોઇતા બેડની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની માગણી છે.

આજદિન સુધી 100 બેડની નવી હોસ્પિટલ પણ લાવી શક્યા નથી

શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે ઇલેક્શન હતું ત્યારે કોરોના નડ્યો નહીં. ભાજપના ભાવનગરના ઘણા સરકારમાં સ્થાન ધરાવે છે. પણ આજદિન સુધી 100 બેડની નવી હોસ્પિટલ પણ લાવી શક્યા નથી. જ્યારે શક્તિસિંહ ગોહિલ પોતાની સરકારમાં પોતે રાજીનામું લાવીને પણ મેડિકલ કોલેજ લાવ્યા હતા. બીજી વાત કરીએ તો રેમડેસિવિર ઇન્જેક્શન અમે છેલ્લા ત્રણ દિવસથી પોતે ગોતીએ છીએ પણ અમને મળતું નથી. અને ભાજપના પ્રદેશ પ્રમુખ 5 હજાર ઇન્જેક્શન લાવે અને ભાજપ કાર્યાલયે વેચાણ થાય આ કોઈ પ્રચારનું માધ્યમ છે. આ ઇંજેક્શન લાવ્યા ક્યાંથી એની તપાસ થવી જોઇએ. અને તેની સામે ફોજદારી ગુનો દાખલ કરે એવી અમારી રજૂઆત છે.

અન્ય સમાચારો પણ છે...