108 એમ્બ્યુલન્સની ઉત્તમ કામગીરી:ભાવનગર જિલ્લામાં અત્યારસુધીમાં 6449 સગર્ભા માતાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાઈ

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં અત્યાર સુધી બે લાખથી વધુ કિસ્સામાં પ્રસૂતિ દરમિયાનની સેવા 108 દ્વારા પૂરી પાડવામાં આવી

સમગ્ર વિશ્વમાં માતાના બાળક માટેના નિઃસ્વાર્થને ઉજાગર કરવાં માટે વિશ્વભરમાં વિશ્વ માતૃત્વ દિવસ માર્ચ કે મે મહિનામાં ઉજવવામાં આવે છે. ભારતમાં તે મે મહિનાના બીજા રવિવારના દિવસે મનાવવામા આવે છે. વિશ્વ માતૃત્વ દિવસની અનેક જગ્યાએ વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ભાવનગર વહીવટી તંત્ર દ્વારા ચાલતી 108ની ઇમરજન્સીની સેવા ખરાં અર્થમાં માતાની ગરજ સારે છે. જિલ્લાની 108ની સેવા દ્વારા અનેકવાર સગર્ભા માતાની સેવા કરી રહી છે અને સગર્ભા માતા મૃત્ય દર ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઇ છે.

સગર્ભા માતાને 108ની સેવા થકી જિલ્લાના અંતરીયાળ અને છેવાડાની સગર્ભા માતાના ઘર સુધી પહોંચીને યોગ્ય હોસ્પિટલ લઈ જતાં ભાવનગર જિલ્લામાં 6,449 સગર્ભા માતાને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે. પ્રસૂતિ દરમિયાનના કિસ્સામાં બે લાખ (2,14,097) થી વધારે સગર્ભા માતાને સેવા પૂરી પાડવામાં આવી છે.

આ રીતે ખરા અર્થમાં 108 ની ઇમરજન્સી એમ્બુલન્સ સેવા એ એક માતા જે રીતે પોતાના બાળકની સંભાળ રાખે તે રીતે કાળજી રાખીને એક માતાની ભૂમિકા ભજવી છે. આ રીતે રાજ્ય સરકારની નિઃ શૂલ્ક એવી 108 સેવામાં માતૃત્વ દિવસ ઉપર અનેક માતા આ સેવા કરવાના આશીર્વાદ મેળવી ચૂકી છે.

જિલ્લામાં છેલ્લા 3 મહિનામાં પ્રસૂતિ જાન્યુઆરી મહિનામાં 28 પ્રસૂતિ, ફેબ્રુઆરીમાં 25 પ્રસૂતિ અને માર્ચ મહિનામાં 38 પ્રસૂતિ 108 એમ્બ્યુલન્સ વાનમાં કરવામાં આવી છે. જ્યારે જિલ્લામાં છેલ્લાં ત્રણ મહિનામાં 6232 સગર્ભા માતાને આ સેવાનો લાભ મળ્યો છે.

જાન્યુઆરી મહિનામાં 1409 સગર્ભા, ફેબ્રુઆરીમાં 1862 સગર્ભા અને માર્ચ મહિનામાં 1901 સગર્ભા 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જિલ્લાની સગર્ભા અવસ્થામાં એકપણ માતાનું મૃત્યુ 108 એમ્બ્યુલન્સ સેવામાં નોંધાયું નથી. આમ, 108 ની આકસ્મિક એમ્બ્યુલન્સ સેવા ભાવનગરની માતૃત્વ ધારણ કરેલી મહિલાઓના બાળકોને સુરક્ષિત રીતે આ જગતમાં લાવવાં માટે સારી ભૂમિકા ભજવી છે.

સને- 1908 માં અમેરિકાના અન્ના જાર્વિસ દ્વારા તેમની માતા એન્ન રીસે જાર્વિસ જે એક શાંતિ કાર્યકર હતાં તેમની યાદમાં સૌ પ્રથમ વિશ્વ માતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી રીસે જાર્વિસનું સમાધિ સ્થળ કે જે અમેરિકાના વેસ્ટ વર્જિનીયામાં આવેલું છે તે આંતરરાષ્ટ્રીય માતૃત્વ દિવસનું સ્થાનક બની રહ્યું છે. ભારતમાં પણ માતૃત્વનો અનેરો મહિમા છે એટલે જ ‘’એક માતા સો શિક્ષકની ગરજ સારે છે’’. ગુજરાતી કવિ બોટાદકરે માતાના આ પ્રેમને છાજે તેમ લખ્યું છે કે,’’જનની તો જોડ સખી નહીં જડે રે લોલ...’’ આમ, ભારતમાં પણ માતૃત્વનો મહિમા અનોખો છે.

અન્ય સમાચારો પણ છે...