વાવેતર:ભાવનગર જિલ્લામાં 26 ટકા વરસાદે 53 % વિસ્તારમાં વાવેતર પૂર્ણ થઈ ગયું

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધીમી ધારનો વરસાદ વાવેતર માટે અત્યંત ફળદાયી
  • જિલ્લામાં 159 મી.મી. વરસાદ સામે 2,38,100 હેકટર જમીનમાં વાવેતર કાર્ય પૂર્ણ

ભાવનગર જિલ્લામાં આ વર્ષે અત્યાર સુધીમાં 159 મી.મી. એટલે કે ચોમાસાની સિઝનના કુલ વરસાદ 617 મી.મી.ના 26.01 ટકા વરસાદ વરસી ગયો છે જ્યારે તેની સામે અત્યાર સુધીમાં જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર 2,38,100 હેકટરમાં પૂર્ણ થઇ જતા કુલ વાવેતર 4,45,000 હેકટરના 53.51 ટકા વાવેતર કાર્ય પૂર્ણ થઇ ગયું છે. આમ, વરસાદની ટકાવારીની તુલનામાં વાવેતર બમણાથી વધુ થઇ ગયું છે. હજી વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભાવનગર જિલ્લામાં જુલાઇના આરંભથી જ સારા વરસાદ બાદ હવે કુલ વાવેતર 2,38,100 હેકટરમાં પૂર્ણ થઇ ગયું છે. જેમાં 1,41,600 હેકટર જમીનમાં વાવેતર સાથે કપાસ મુખ્ય છે. જ્યારે મગફળીનું વાવેતર 65,500 હેકટર જમીનમાં થયું છે. જ્યારે બાજરાનું વાવેતર 7200 હેકટરમાં થયું છે.

આ વાવેતર થયા બાદ હવે જુલાઇ માસના આરંભથી જ સમગ્ર ગોહિલવાડ પંથકમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યાં હોય ધરતીપુત્રો ખુશખુશાલ છે. ધીમી ધારે હાલ ભાવનગર જિલ્લામાં ખરીફ વવેતર માટે કાચા સોના જેવો વરસાદ વરસી રહ્યો છે. જે દર્શાવે છે કે આવો જ માહોલ રહેશે તો વર્ષ પાક માટે સારૂ જશે. જિલ્લામાં 26 ટકા વરસાદની સામે 53 ટકાથી વધુ વાવેતર થઈ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...