મારામારી:ભાવનગર જિલ્લામાં માથાકૂટની ચાર ઘટનામાં 3 મહિલા સહિત 6 વ્યક્તિ ઘવાઈ

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સી.ડીવીઝન, વરતેજ, પાલિતાણા તથા તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ

ભાવનગર શહેર, વરતેજ, પાલિતાણા, તળાજાના પોલીસ સ્ટેશનમાં સામાન્ય બાબતોએ સર્જાયેલા વૈમનસ્યમાં થયેલી માથાકૂટ-મારામારીમાં ત્રણ પુરુષો તથા ત્રણ મહિલાઓ ઈજાગ્રસ્ત થતાં ઘવાયેલા વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. અને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

ઘરે આવી બિભત્સ વાણી વિલાસ આદરી ભયનો માહોલ કર્યો

આ મારામારીની ઘટનાઓમાં પ્રથમ બનાવમાં શહેરના પ્રભુદાસતળાવમાં રહેતી મહિલા રંજનબેન જીતુભાઈ રાઠોડ ઉ.વ.37 એ શહેરનાં જ ત્રણ શખ્સો જેમાં સાજન, પેમો તથા અશ્વિન ઉર્ફે પેટી વિરુદ્ધ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એવાં મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ગતરોજ રંજનબેન તેનાં પરીવાર સાથે ઘરે હાજર હોય એ દરમ્યાન ફરિયાદીના ભાઈ ગોપાલ સાથે આરોપી અશ્વિનને જૂની અદાવતે મનદુઃખ હોય જેને લઈને આરોપી પોતાના સાગરીતો સાથે તેણીના ઘરે આવી બિભત્સ વાણી વિલાસ આદરી ભયનો માહોલ કર્યો હતો. જેમાં રંજનબેને આરોપીઓ ને ગાળો ન બોલવા અને અહીંથી જતાં રહેવા જણાવેલુ હતુ. આથી ઉશ્કેરાયેલા આરોપીઓએ એકસંપ રચી હથિયાર વડે રંજનબેન પર હુમલો કરી માથામાં તથા હાથે પગે ગંભીર ઈજા પહોંચાડી નાસી છુટ્યા હતાં. આ ત્રિપુટી વિરુદ્ધ ઈજાગ્રસ્ત મહિલાએ હોસ્પિટલના બિછાનેથી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વાડીએ તાર ફેન્સિગ કરવા બાબતે બબાલ થઇ

એજ રીતે બીજા બનાવમાં વરતેજ તાબેના શામપરા ગામે રહેતાં ખેડૂત કિશોર તળશી વિરડીયા ઉ.વ 41 તથા તેનો ભાઈ જીતેન્દ્ર તેની માલીકીની વાડીએ તારફેન્સિગ કરવા ગયેલા હોય એ દરમ્યાન તેનાં કૌટુંબિક કાકા નાનુ ધરમશી, નથુ ધરમશી, હરેશ મૂળજી અને તળશી જીણાએ ફરિયાદી કિશોર પાસે આવી તારફેન્સિગ કરવાની ના પાડતાં ફરિયાદીએ પોતાની માલીકીની જમીનમાં ફેન્સિગ કરશે તેમ જણાવતાં આરોપી નાનુ, નથુ, હરેશ અને તળશીએ ઝઘડો કરી કિશોર તથા જીતેન્દ્ર પર હથિયાર વડે હુમલો કરી નાસી છુટ્યા હતાં. આ બનાવમાં ઈજાગ્રસ્ત બંધુઓએ હોસ્પિટલમાં સારવાર લઈ કૌટુંબિક કાકા નાનું, નથુ, હરેશ તથા તળશી વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેની તપાસ હાથ ધરવામાં આવી છે.

આરોપી પ્રવિણ તથા મેહુલે વીજ પોલ લઈ જવા જીદ કરી

ત્રીજા બનાવમાં પાલિતાણા તાલુકાના પાણીયાળી ગામે રહેતી મહિલા મણીબેન રૂખડભાઈ વાળા ઉ.વ.45 તેની માલિકીની વાડીમાં પુત્ર મેહુલ તથા પુત્રી ચિકૂ સાથે ખેતીકામ કરી રહ્યાં હતાં એ વેળા શેઢા પાડોશી પ્રવિણ ઉન્નડ વાળા તથા મેહુલ ઉન્નડ વાળા મણીબેનની વાડીમાં વાવાઝોડા થી ઢળી પડેલ વિજપોલ લેવા આવેલા ત્યારે મણીબેને જણાવેલુ કે પીજીવીસીએલ વાળા આવી તૂટી ગયેલો વિજપોલનું લખાણ કરી જતાં રહે ત્યારબાદ લઈ જાજો. પરંતુ આરોપી પ્રવિણ તથા મેહુલે પોલ લઈ જવા જીદ કરી મણીબેન સાથે માથાકૂટ કરી લોખંડના હથિયાર વડે માર મારતાં તેનો પુત્ર મેહુલ તથા પુત્રી ચિકૂ વચ્ચે પડતા તેને પણ લાકડાના ફટકા વડે માર મારી ઈજા પહોંચાડી નાસી છૂટ્યા હતાં. આથી મણીબેને આરોપી ભાઈઓ વિરુદ્ધ પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પરશોત્તમભાઈને જણાવેલું કે આ જમીન સાથે તમારે કોઈ લેવાદેવા નથી

ચોથા બનાવમાં તળાજા તાલુકાના સાંખડાસર -2 ગામનાં વતની અને હાલ ભાવનગર કાળીયાબિડ વિસ્તારમાં જૂનીભગવતી પાકૅમાં રહેતા નિવૃત્ત ખેડૂત પરશોત્તમભાઈ ભીમજીભાઈ સાંગાણી ઉ.વ.63 તેના પુત્રો સાથે તેનાં ગામે આવેલ વાડીઓમાં આંટો મારવા ગયેલા એ દરમ્યાન એક વાડીએ જતાં આજ ગામે રહેતાં અને કૌટુંબિક ભાઈઓ પરેશ કાળું સાંગાણી, લાલજી કાળું સાંગાણી તથા વસંત રઘા સાંગાણીએ વૃદ્ધ પરશોત્તમભાઈને જણાવેલું કે આ જમીન સાથે તમારે કોઈ લેવાદેવા નથી. તમોએ અહીં આવવું નહીં આથી પરશોત્તમભાઈએ જણાવેલુ કે આ મારી માલીકીની જમીન છે. જેથી ઉશ્કેરાયેલા આરોપીઓએ વૃદ્ધ સાથે ઉગ્ર ઝઘડો કરી મૂઢ માર મારતાં પરશોત્તમભાઈનો પુત્ર વચ્ચે પડી તેમને છોડાવેલો તથા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કર્યાં હતા. આ અંગે પરશોત્તમભાઈએ પરેશ, લાલજી તથા વસંત વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપી ઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...