ચૂંટણી:ભાવનગર જિલ્લામાં 4 રિપીટ, 1 પૂર્વ અને 1 હારેલાના હાથમાં ભાજપની નૈયા

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ ધારણા મુજબ ભાજપે પશ્ચિમમાં જીતુ વાઘાણી, ગ્રામ્યમાં પરસોતમ સોલંકી, ગારિયાધારમાં કેશુ નાકરાણી, પાલિતાણામાં ભીખા બારૈયા, તળાજામાં ગૌતમ ચૌહાણ અને મહુવામાં શીવા ગોહિલને ઉમેદવાર જાહેર કર્યા
  • ભાવનગર પૂર્વ વિધાનસભાનું ગુંચવાયેલું કોકડું નહીં ઉકેલાતા ઉમેદવારના નામ પર પડદો પડી રહ્યો

ભાજપ દ્વારા ભારે મનોમંથન બાદ આજે ગુજરાત રાજ્ય વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરી તેમાં ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા પૈકી ભાવનગર પૂર્વ સિવાય છ બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં ભાવનગર પશ્ચિમ, ગ્રામ્ય, પાલીતાણા અને ગારીયાધાર બેઠક પર ચાર ઉમેદવારોને રીપીટ કર્યા છે અને તળાજામાં ગત ટર્મના હારેલા તેમજ મહુવામાં પૂર્વ ધારાસભ્યને ટિકિટ આપવામાં આવી છે. પૂર્વ ધારણા મુજબ જ ભાજપ વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે મોટું રિસ્ક લેવા નહીં માગતા મોટાભાગનાને રીપીટ કરવામાં આવ્યા છે.

આગામી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીમાં ભાજપ દ્વારા જ્ઞાતિના સમીકરણોને સાથે રાખી સક્રિયતા નિષ્ક્રિયતા અને સ્થાનિક અસંતોષના પાસાને ધ્યાને રાખી આજે ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જોકે, 182 પૈકી ભાવનગર પૂર્વ વિધાનસભા સહિત 22 બેઠકો પર હજુ પણ ઉમેદવારો જાહેર કરાયા નથી. ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકોમાં ભાવનગર પશ્ચિમમાં જીતુભાઈ વાઘાણી, ભાવનગર ગ્રામ્યમાં પરસોત્તમભાઈ સોલંકી, ગારીયાધારમાં કેશુભાઈ નાકરાણી અને પાલીતાણામાં ભીખાભાઈ બારૈયાને રીપીટ કરવામાં આવ્યા છે. જ્યારે તળાજા બેઠક પર ગત ટર્મ 2017માં 1779 મતે પરાજય થયેલા ગૌતમભાઈ ચૌહાણને આ વખતે વધુ એક તક આપવામાં આવી છે.

અને મહુવા બેઠક પર સીટિંગ ધારાસભ્ય અને રાજ્ય મંત્રી આર.સી.મકવાણાને કાપી પૂર્વ ધારાસભ્ય શીવાભાઈ ગોહિલને ટિકિટ આપવામાં આવી છે. ભાજપના ઉમેદવારો જાહેર થતાં તેમના સમર્થકો કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી અને શુભેચ્છાઓ દ્વારા આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક પર મોડી રાત સુધી ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું. અત્રે ઉલ્લેખની છે કે, નિરીક્ષકો સમક્ષ આ બેઠક પરથી વધુમાં વધુ દાવેદારો ઉભા થયા હતા અને સીટીંગ ધારાસભ્ય વિરુદ્ધ રજૂઆતો પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...