ભાવનગર જિલ્લામાં દર ચોથા દિવસે 1 હથિયાર પકડાય છે. છેલ્લા બે મહિનામાં પોલીસે નોંધેલા આર્મ્સ એકટ હેઠળના ગુન્હાના આંકડાઓ પરથી તારણ સામે આવ્યું છે. જિલ્લામાં પોલીસે છેલ્લા બે મહિનામાં 15 ગુન્હાઓધી કુલ 24 શખ્સોની ધરપકડ કરી છે. છેલ્લા બે માસમાં ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા આર્મ્સ એક્ટ હેઠળ કુલ 15 ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે. જે મામલે કુલ 24 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
આ આરોપીઓ પાસેથી પોલીસે 7 પિસ્ટલ, 8 દેશીબંદુક મળી કુલ 15 હથિયાર અને 152 નંગ જીવતા કાર્ટિશ કબ્જે લેવાયા છે. આમ, છેલ્લા બે મહિનાની સરેરાશ પ્રમાણે જિલ્લામાં દર ચોથા દિવસે એક ગેરકાયદેસર હથિયાર પકડાય છે. જે ખુબ ગંભીર બાબત છે. જેની સામે જિલ્લામાં છેલ્લા બે મહિનામાં ગેરકાયદેસર હથિયાર વડે ફાયરિંગની ઘટનાઓમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.
અન્ય રાજ્યોમાંથી હથિયાર લાવી જિલ્લામાં ચાલતો હથિયારોનો વેપાર છેલ્લા થોડા સમયથી વધ્યો છે તેનું આ પ્રમાણ છે. એ સિવાય સોશિયલ મીડિયામાં પણ હથિયારો સાથે ફોટા મુકવાનું ચલણ પણ વધ્યું છે. વર્ષ 2022માં આજ દિન સુધીમાં પોલીસે 18 કેસોમાં 35 શખ્સોની ધરપકડ કરી છે. જિલ્લામાં છેલ્લા થોડા મહિનાઓમાં વધી રહેલા ફાયરિંગના બનાવોથી અંદાજ આવી શકે છે કે જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોના વેપારનું નેટવર્ક ચાલી રહ્યુ છે ત્યારે તેના પર લગામ લાગવી જોઈએ.
હથિયારબંધીનો અસરકારક અમલ થતો નથી
કલેક્ટર દ્વારા બે પ્રકારની હથિયાર બંધી જાહેર કરવામાં આવે છે. જેમાં સાદી હથિયારબંધીમાં લાકડી, તલવાર જેવા હથિયારોની હથિયારબંધી જાહેર કરવામાં આવે છે જ્યારે ચુંટણી સમયે હથિયારબંધી જાહેર કરવામાં આવતી હોય છે. જેનો ફરજીયાત અમલ કરાવવાનો હોય છે. તેમજ ઘણીવાર ખાસ કિસ્સામાં હથિયારબંધી જાહેર કરવામાં આવતી હોય છે પરંતુ તેમાં લાઈસન્સ ધરાવતા અમુક હથિયારધારકો હથિયાર જમા કરાવે છે અમુક નથી કરાવતા. આમા પણ ઘણીવાર ખાસ કિસ્સામાં લાઈસન્સ ધારકે કલેક્ટરને ચોક્કસ કારણ આપી હથિયારબંધીમાં પણ હથિયાર પાસે રાખવાની મંજુરી લીધેલી હોય છે.
માંગો ત્યારે હથિયાર મળે
ભાવનગર જિલ્લામાં કોઈ પણ સ્થળે માંગો ત્યારે હથિયાર મળે છે. ગેરકાયદેસર હથિયારનું નેટવર્ક ચલાવતા અન્ય રાજ્યોમાંથી આવતા તેના એજન્ટો કમિશન પર હથિયાર લાવી આપતા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ અંગે પોલીસ તપાસ કરે તે જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.